આજકાલ બેરોજગારી બહુ વધી ગઈ છે, સારી હોવા છતા લોકોને નોકરી મળતી નથી. એવામાં જો કોઈ બેંકિંગ જેવા સેક્ટરની વાઈટ કોલર નોકરી છોડીને ખેતી કરવા લાગે તો આશ્ચર્ય જરૂર થાય. પરંતુ આ શક્ય બન્યું છે સોનિપતમાં. હરિયાણાના સોનીપતના એક યુવકે બેંકની નોકરી છોડીને જામફળની ખેતી શરૂ કરી અને આજે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.
કોરોના મહામારીમાં લોકો ઈમ્યુનિટી વધારવા ઓર્ગેનિક શાકભાજી અને ફળો તરફ વળ્યા. તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન ઘણા યુવાનોએ પોતાની નોકરી પણ ગુમાવી હતી, પરંતુ કેટલાક યુવાનોએ કોરોના સમયગાળા દરમિયાન ટ્રાન્સફરને કારણે અથવા કોઈ અંગત કારણોસર પોતાની નોકરી છોડી દીધી. બાદમાં નોકરી કરવાને બદલે તેઓએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને અન્ય યુવાનોને પણ નોકરી આપી. આજે અમે તમને સોનીપતના શહઝાદપુર ગામના યુવા ખેડૂત કપિલની સફળતાની જણાવીશું.
બેંકની નોકરી છોડી દીધી
પોતાની જર્ની વિશે જણાવતા કપિલે કહ્યું, કોરોના આવતા પહેલા તે એક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો, પરંતુ કોરોના આવ્યા બાદ તેની સોનીપતથી ગુજરાતમાં બદલી કરવામાં આવી. તેથી કપિલે ગુજરાત જવાને બદલે પોતાનો નવો ધંધો શરૂ કરવાનું વિચાર્યું. તેણે પોતાના ખેતરમાં ઓર્ગેનિક જામફળનો બગીચો બનાવ્યો અને નવી શરૂઆત. જોત જોતામાં તેની આવક નોકરી કરતા ચાર ગણી વધી ગઈ. તેને બેંકમાં દર મહિને એક લાખ રૂપિયાનો પગાર મળતો હતો, જ્યારે જામફળના બગીચામાંથી દર મહિને 4 લાખ કમાય છે.
કપિલ પોતાના બગીચામાં 8 જાતના જામફળની ખેતી કરે છે અને ઘણા જામફળની ગુણવત્તા તો તાઈવાનના જામફળને પણ ટક્કર આપે છે. તેને તેના જામફળને શાકમાર્કેટમાં મોકલવાની પણ જરૂર પડતી નથી, ખરીદદારો બગીચાએ આવીને જામફળ લઈ જાય છે. સાથે જ હવે કપિલ જામફળની ખેતીની સાથે પોતાના ખેતરમાં લીંબુની પણ ખેતી કરી રહ્યો છે અને આ ઓર્ગેનિક લીંબુને શાકમાર્કેટમાં વેચવાને બદલે તેમાંથી અથાણું બનાવીને સારો નફો કમાઈ રહ્યો છે.
કપિલે વધુમાં જણાવ્યું કે તે બેન્કિંગ સેક્ટરમાં કામ કરતો હતો પરંતુ તેની બદલી ગુજરાતમાં થઈ ગઈ હતી. તેથી તેણે નોકરી છોડી દીધી, ત્યારબાદ તેણે પોતાનો બિઝનેસ કરવાનું વિચાર્યું અને જામફળની ખેતી શરૂ કરી. તેમણે પોતાના ખેતરમાં તાઈવાન અને અન્ય જાતોના જામફળનું વાવેતર કર્યું, જે હવે ફળ આપી રહ્યા છે. અને નોકરી કરતા સારી કમાણી પણ થઈ રહી છે.