નાણાકીય વર્ષ 2021-22 માં ઘર ખરીદનાર લોકો માટે સારા સમાચાર છે. અફોર્ડેબલ હાઉસિંગ તથા પીએમ આવાસ યોજના હેઠળ 2022 સુધીમાં સૌને ઘર મળી રહે એ જ સરકારનો પ્રયાસ છે. સરકાર દ્વારા હવે મધ્યમ વર્ગના લોકો માટે આ વિશેષ રાહત અપાઇ રહી છે. હવે ઘર ખરીદવા લીધેલી હોમ લોન પર કરમુક્તિની રકમમાં વધારો થયો છે. આ નિર્ણય પહેલા પણ હોમ લોન પર કરમુક્તિ તો મળતી જ હતી પરંતુ હવે આ રકમમાં રૂ. 1.5 લાખની વધારાની છૂટ આપવામાં આવી રહી છે.
હોમ લોન પર કરમુક્તિ આવકવેરા કાયદાની કલમ 80EEA હેઠળ અપાય છે. બજેટ 2021-22 મુજબ 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2022 વચ્ચે જો તમે ઘર ખરીદો છો, તો તમે લીધેલી હોમ લોન પર રૂ. 1.5 લાખની વધારાની કરમુક્તિ આપવામાં આવશે. પહેલા આ છૂટ કલમ 24B હેઠળ હોમ લોનના વ્યાજ પર વાર્ષિક રૂ. 2 લાખ અપાઇ રહી હતી અને હવે 80C હેઠળ લોનની મૂળ રકમ પર રૂ. 1.5 લાખની છૂટ આપવામાં આવી રહી છે. તેથી હવે જોવા જઇએ તો હાલમાં, સરકાર આવકવેરાની કલમ 24B અને કલમ 80C હેઠળ તમામ પ્રકારની હોમ લોન પર કુલ 3.5 લાખ રૂપિયાની કરમુક્તિ આપે છે તે સાબિત થાય છે. ઉલ્લેખનીય એ પણ છે કે આ કરમુક્તિ માટે તમારે ઘરનો કબજો મેળવવા સુધી રાહ જોવી પડતી નથી.
કરમુક્તિ મેળવવા માટે નીચેના નિયમોનું પાલન કરવું પડશે
- કલમ 80EEA હેઠળ હોમ લોન પર કરમુક્તિ માટે ઘર 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2022 વચ્ચે ખરીદાયેલું હોવું જોઇએ.
- આ ખરીદેલ ઘર 45 લાખ રૂપિયાથી ઓછી કિંમતનું હોવું જોઇએ અથવા તે ઘરની કિંમત 45 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહિ.
- કરદાતા પાસે પહેલેથી જ અન્ય કોઈ મિલકત હોવી જોઈએ નહીં.
- આ મકાન ખરીદ્યાની તારીખથી પાંચ વર્ષ સુધી વેચી શકાશે નહીં.
આવકવેરા કાયદા નું સેક્શન ક્યારે ઉમેરાયું?
બજેટ 2019 માં, આવકવેરા કાયદા 80EEA નું સરકારે નવું સેક્શન ઉમેર્યું હતું. ત્યારબાદ કહેવામાં આવ્યું કે માત્ર તે જ લોકો આનો લાભ લઈ શકશે, જેમણે એપ્રિલ 2019 થી માર્ચ 2020 વચ્ચે હોમ લોન લીધી છે. આ પછી, બજેટ 2020 માં, સરકારે તેની સમયમર્યાદા માર્ચ 2021 સુધી લંબાવી. ત્યારબાદ બજેટ 2021માં આ રાહતને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી. એવો અંદાજ છે કે આવતા મહિને આવતા બજેટમાં ફરી એકવાર સમયમર્યાદા વધી શકે છે.