મોટા ભાગના યુવાનો ભણી ગણીને સારી નોકરી મેળવવાનું સપનું જોતા હોય છે. જેથી એક નિશ્ચિત આવક શરૂ થઈ જાય અને લાઈફ સેટ થઈ જાય છે. પરંતુ વર્તમાન સમયમાં ઘણા યુવાનો એવા પણ છે જેમણે સારી નોકરી છોડી વ્યવસાય અથવા ખેતીમાં પોતાની કારકિર્દી બનાવી હોય. પરંતુ ઉત્તર પ્રદેશના એક યુવાને સારામાં સારા પગારની નોકરી છોડી ખેતી કરવાનો નિર્ણય લીધો અને આજે મોટી કમાણી કરી લોકોને પ્રેરણા આપી રહ્યો છે.
અમે વાત કરી રહ્યા છીએ મેરઠ જિલ્લાના રહેવાસી અજય ત્યાગી વિશે કે જેમણે MCA કર્યા પછી ગુરુગ્રામની એક મલ્ટિનેશનલ કંપનીમાં લગભગ 15 વર્ષ નોકરી કરી. નોકરીમાં સારો પગાર મળતો હોવા છતા તેને જોઈતો સંતોષ મળતો ન હતો. નોંધનિય છે કે, ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા અજયને મેગા સીટીમાં સારી નોકરી હોવા છતાં સ્વચ્છ વાતાવરણ અને શુદ્ધ ખોરાક મળતો ન હતો. જેનાથી તે કંટાળીને નોકરી છોડીને ગામમાં આવીને ખેતી કરવા લાગ્યો.
પાકનું પ્રોસેસિંગ કરીને બજારમાં વેંચે છે
તો બીજી તરફ જ્યારે અજયના આ નિર્ણયની તેના પરિવારને ખબર પડી તો તેઓ ચોંકી ગયા. જો કે અજય પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને 2015માં નોકરી છોડી દીધી અને ખેતી કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન તેમણએ ઓર્ગેનિક ખેતી કરી પોતાની કેરિયર બનાવવાનું શરૂ કર્યું. એક રિપોર્ટ અનુસાર, આજે અજય પોતાના ખેતરોમાં સિઝનલ શાકભાજી, અનાજ, અનેક પ્રકારના ફળો અને મસાલા ઉગાડી સારી કમાણી કરી રહ્યો છે. તે પાકેને પ્રોસેસિંગ કર્યા બાદ માર્કેટમાં વેચે છે.
તમને જણાવી દઈએ કે, અજય તેના ખેતરમાં મલ્ટિલેયર ફાર્મિંગ દ્વારા ઉગાડવામાં આવતા પાકમાંથી 60 પ્રકારના ઉત્પાદનો તૈયાર કરી બજારમાં વેચે છે. ખેતીમાં નુકસાનનું જોખમ ઘટાડવા માટે અજય પાકના રોટેશન પર ખાસ ધ્યાન આપે છે. નોંધનિય છે કે મલ્ટિલેયર ખેતીમાં જો એક પાક નિષ્ફળ જાય, તો બીજો પાક તે નુકસાનની ભરપાઈ કરે છે, તેથી વર્ષના અંતે સારો એવો નફો પણ રળી શકાય છે.
આ અંગે અજય એ વાતનું પણ ધ્યાન રાખે છે કે બજારમાં કઇ પ્રોડક્ટની વધારે માંગ છે. તેથી જ અજય કાળા ડાંગરની ખેતી કરે છે અને તેને 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચે છે. નોંધનિય છે કે, અજય ખેતરમાં બફર ઝોન પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે. આમાં એક જ ખેતરમાં બે પાકનું વાવેતર કરવામાં આવે છે. આના કારણે ન માત્ર ઉપજ સારી આવે છે પરંતુ જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા પણ વધે છે. બફર ઝોન હેઠળ ખેતરની આસપાસ એવા છોડ રોપવામાં આવે છે, જે જંતુઓ અને પક્ષીઓને આકર્ષે અને પાકમાંથી વધુ સારું ઉત્પાદન આપે છે.