Top Stories
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, બે વરસાદી સિસ્ટમ સક્રિય

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, બે વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મૂશળધાર વરસાદ  વરસશે. 18 જુલાઈથી સૌરાષ્ટ્ર-કચ્છ , ઉત્તર અને દક્ષિણ ગુજરાત પાણી-પાણી થશે.  18 તારીખે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે .

19 જુલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.  રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  

આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. કેરળથી દક્ષિણ ગુજરાત સુધીનો ઓફશોર ટ્રોફ છે તે મજબૂત હોવાનું અને સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

પરેશ ગોસ્વામીએ જુલાઈ મહિનાના બાકીના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, કેરળથી દક્ષિણ ગુજરાત સુધીનો ઓફશોર ટ્રોફ છે ખૂબ મજબૂત છે. રાજ્ય પર મજબૂત સિયરઝોન તૈયાર થઈ રહ્યું છે અને બંગાળની ખાડીમાં અપરએર સાઈક્લોનિક સિસ્ટમ છે તે ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરી રહ્યી છે. તે લોપ્રેશરનું સ્વરૂપ લેશે અને વધુ મજબૂત બનીને ડિપ્રેશન કે ડીપડિપ્રેશન બની શકે છે. જેના કારણે ભારે વરસાદની સંભાવનાઓ છે.

આ સાથે તેમણે તારીખો સાથે માહિતી આપી છે કે 16 અને 17 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્યાંક સામાન્યથી મધ્યમ વરસાદ, કેટલાક સેન્ટરો પર ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે અપરએર સાઈક્લોનિક સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જેમાં 18થી 25 જુલાઈ દરમિયાન વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 18, 19 અને 20 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં તથા મધ્ય ગુજરાતના અમદાવાદ, કપડવંજ, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા આ ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે

તારીખ પછી 21, 22, 23 અને 24 દરમિયાન રાજ્યના તમામ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, કચ્છ તથા પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે.