મકર સંક્રાંતિ બાદ ગુજરાતને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે. આવનાર વર્ષ દરમિયાન કેટલાક સમયે વાવાઝોડા, ઉનાળા દરમિયાન અતિભારે ગરમી અને ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લામાં કુદરતી આફતો આવી શકે છે આવું પુર્વાનુમાન વ્યક્ત કર્યું છે.
2026નું વર્ષ વાવાઝોડા અને અતિભારે ગરમીથી ભરેલું
દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીક વામજાએ શિયાળો, ઉનાળો અને ચોમાસા દરમિયાન કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે. તે મુજબ આવનારું વર્ષ ઋતુને અનુસાર અનિશ્ચિત અને વાતાવરણમાં અચાનક ફેરફારના વર્ષ તરીકે જણાવી રહ્યા છે. ઉનાળા દરમિયાન અતિભારે ગરમી, શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું અને ચોમાસા દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડું અને કેટલાક જિલ્લામાં કુદરતી આફત આવી શકે છે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે ઉનાળા દરમિયાન અતિભારે ગરમી, ચોમાસુ અનિયમિત રહેવાની સાથે કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડાની શક્યતાઓ પણ આ વર્ષ દરમિયાન જોવા મળી શકે છે. 1લી જાન્યુઆરીથી લઈને 5મી જાન્યુઆરી સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.
કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર રમણીક વામજાએ મકરસંક્રાંતિ બાદ ઠંડીની શક્યતાઓ વ્યક્ત કરી છે. મકરસંક્રાંતિનો દિવસ બુધવારે આવી રહ્યો છે તેમાં વિછુડો જોવા મળે છે, જેથી સંક્રાંતિના દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા ખરવાની શક્યતાઓ પણ મકરસંક્રાંતિના દિવસે વ્યક્ત થઈ રહી છે. અનુરાધા નક્ષત્રને કારણે પણ મકરસંક્રાંતિ બાદ અનાજના ભાવો સ્થિર રહે તેવી પણ શક્યતાઓ છે. અખાત્રીજમાં રોહિણી નક્ષત્ર હોવાને કારણે ઉનાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે ગરમી પડે તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. વધુમાં મે મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનામાં પણ વરસાદની શક્યતા
રમણીક વામજા એ 21 થી લઈને 24મી ફેબ્રુઆરીના ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં મોટે ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. આવનારું વર્ષ વેપાર-ધંધા માટે એકદમ મંદીનું હોવાની સાથે વર્ષ-2026 રાજા અને પ્રજા માટે કેટલીક મુશ્કેલી ભર્યા પ્રસંગોનો પણ સામનો કરવો પડી શકે છે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.