રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે આંધી વંટોળ સાથે વરસાદ થયો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમુક વિસ્તારમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, હજુ પણ આગામી 16 મે સુધીમાં પ્રી મોનસુન એકિટવીટી શરુ રહેશે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાત 19 સુધીમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. આંધી વંટોળનું પ્રમાણ ઘણું રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 17 મે બાદ આકરી ગરમી પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી જેવું થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે.
હવામાન નિષ્ણાતે જણાવ્યુ છે કે, બનાસકાંઠા, પાલનપુર ડીસા, કાંકરેજ, રાધનપુર સહિત આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. 30થી 40 કિલોમીટરે આંચકાનો પવન રહેશે. ત્યાર બાદ મે માસના અંતમાં પણ પ્રી મોનસુન એક્ટિવીટી થવાની શક્યતા રહેશે. 24 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્તા રહેશે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 16 મે પછી બંગાળના ઉપસાગરમાં લગભગ 24 મે સુધીમા અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. આ વર્ષે ચોમાસુ વહેલું આવવાની શક્યતા રહેશે. મે મહિના અંતમાં અને જૂનની શરુઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. પશ્ચિમ મહાસાગર અન્ય મહાસાગરો કરતા ગરમ રહેશે. જેના કારણે ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. મૃગશિર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાનો શરુઆતનો વરસાદ પણ ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા રહેશે.