પગ નીચેથી જમીન ખસી જશે, શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની ઘાતક આગાહી

પગ નીચેથી જમીન ખસી જશે, શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની ઘાતક આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસર અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું રિકવર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા છે, જેના કારણે જામનગર અને કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. આ દરમિયાન 65 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

 

વાવાઝોડાની સાથે સાથે પશ્ચિમી વિક્ષેપ પણ આવી રહ્યો હોવાથી રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે. આગાહી પ્રમાણે, 4 થી 8 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે અને તેની અસર 10મી ઓક્ટોબર સુધી પણ રહી શકે છે. આ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. વધુમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. જોકે, આ સમયે થનારા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને તેમના મગફળીના પાકમાં 'પડ્યા પર પાટુ' જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

 

શું કહે છે હવામાન વિભાગ?

 

ચોમાસાની વિદાય પછી પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત 'શક્તિ' ની ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, ચક્રવાત 'શક્તિ' ની અસર 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.

 

તો બીજી તરફ અરબ સાગરમાં 'શક્તિ' નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આગામી 24 કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. આ વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે.

 

પ્રશાસન સજ્જ અને ચેતવણી

વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠા વિસ્તાર પર થઈ શકે તેમ હોવાથી ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહી છે.

 

સલામતીના ભાગરૂપે માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. તેમને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા અને 4 થી 6 ઓક્ટોબર દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

 

પવનની ગતિ અને વરસાદની આગાહી

હાલમાં વાવાઝોડાની આસપાસ પવનની ગતિ 64-75 કિમી પ્રતિ કલાકની છે, જેના ઝાપટાં 85 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

4 અને 5 ઓક્ટોબર દરમિયાન પવનની ગતિ વધીને 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના ઝાપટાં 125 કિમી પ્રતિ કલાક સુધી જવાની સંભાવના છે.

6 અને 7 ઓક્ટોબરના રોજ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તંત્ર દ્વારા તમામ નાગરિકોને, ખાસ કરીને દરિયા કિનારાની નજીક રહેતા લોકોને, સાવચેતી રાખવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

તો બીજી તરફ IMD એ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે મુંબઈ, રાયગઢ, રત્નાગિરી, પાલઘર અને સિંધુદુર્ગ માટે ચેતવણી જારી કરી છે. ચક્રવાત 'શક્તિ' ને કારણે, 4-5 ઓક્ટોબર દરમિયાન આ જિલ્લાઓમાં 45-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.