ગુજરાતીઓ ફરી રેઈન કોટ છત્રી કાઢી રાખજો,  અંબાલાલ પટેલની ફરી કમોસમી વરસાદની ભયાનક આગાહી

ગુજરાતીઓ ફરી રેઈન કોટ છત્રી કાઢી રાખજો, અંબાલાલ પટેલની ફરી કમોસમી વરસાદની ભયાનક આગાહી

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે, તેથી રેઈન કોટ કાઢીને તૈયાર રાખજો. ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાંથી મોટી રાહત મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો તેની સાથે સાથે રાજ્યના અનેક ભાગોમાં ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે અને તેની સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે. બીજી તરફ તા.25મી મેથી 28મી મે સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદે કેર વર્તાવ્યો છે જેના કારણે ખેડૂતોને ખેતી પાકમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે ફરીથી પણ માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે.

મે મહિનાના અંતમાં થશે ઋતુ પરિવર્તન
આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.

ક્યા ક્યા વરસાદ આવશે
ક્યા ક્યા કમોસમી વરસાદ આવશે તે વિશે તેઓએ જણાવ્યું કે, તારીખ 24 થી 30 મેના રોજ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદની આગાહી છે. તો સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાટ્રના દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પાડવાની આગાહી છે. તેમણે કહ્યુ કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે.

ચોમાસાના સંકેત દેખાયા
ભારતના નક્શામાં નીચે આવેલા આંદામાન-નિકોબાર ટાપુમાં ચોમાસાનુ આગમન થઈ ગયુ છે. શુક્રવારે બંગાળની ખાડીમાં આંદામાનની છેલ્લી સરહદ ઈન્દિરા પોઈન્ટ પસાર કરીને નાનકોવરી ટાપુ સુધી વરસાદ પહોંચી ગયો છે. પરંતુ અહીથી આગળ વરસાદ વધ્યો નથી. સોમવાર બાદ વરસાદમાં કોઈ હલચલ જોવા મળી નથી. સામાન્ય રીતે 21 ના રોજ ચોમાસું પોર્ટબ્લેર પહોંચી જતુ હોય છે. પરંતુ હાલ ચોમાસાની ઉત્તરની સરહદ પોર્ટબ્લેરથી 415 કિમી દૂર છે. હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચોમાસું આગામી બે દિવસમાં આગળ વધી જશે.