હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર , આવી ગઈ તાજે તાજી આગાહી

હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર , આવી ગઈ તાજે તાજી આગાહી

ગુજરાતના હવામાનમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ (માવઠું) અંગે ગંભીર આગાહી કરી છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બની શકે છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, રાજ્યમાં સોમવારથી જ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી શરૂ થયેલી ઠંડી, મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં હાડ થીજવતી બની શકે છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. આ ભાગોમાં તાપમાન 12 થી 13 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છનું નલિયા ફરી એકવાર સૌથી ઠંડું સ્થળ બની શકે છે.

કમોસમી માવઠાની આગાહી : 6 થી 18 ડિસેમ્બર

ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદની પણ સંભાવના છે, જેની અસર ગુજરાતના ઘણા ભાગો પર થઈ શકે છે.

અંબાલાલ પટેલના મતે, 6 થી 8 ડિસેમ્બરની આસપાસ હવામાનમાં મોટો પલટો આવશે.

ખાસ કરીને 8 થી 18 ડિસેમ્બર દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠું વરસી શકે છે.

27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે જાન્યુઆરીની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે, જેના કારણે 6 જાન્યુઆરી સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન દિત્વાહ (Ditwah) હાલ ભારતીય દરિયાકાંઠા નજીક પહોંચી ગયું છે.

તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને હાલ ચેન્નાઈથી 260 કિલોમીટર દક્ષિણમાં છે.

IMDની આગાહી મુજબ, દિત્વાહ' આગામી 24 કલાકમાં ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને સમાંતર ગતિ કરશે.

જો કે, નિષ્ણાતોના મતે નવેમ્બરના અંતમાં ઉપસાગરમાં સર્જાતા ચક્રવાતની ગુજરાત પર સીધી અસર ઓછી રહેશે.

ઉત્તર ભારતમાં સક્રિય થતા પશ્ચિમી વિક્ષેપોને કારણે ગુજરાતના હવામાનમાં વારંવાર બદલાવ આવશે અને ઠંડીમાં વધઘટ જોવા મળશે.