Top Stories
ગેસ સિલિન્ડર, ચાંદી, ક્રેડિટ કાર્ડઃ 1 સપ્ટેમ્બરથી થશે આ 6 મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર શું અસર થશે?

ગેસ સિલિન્ડર, ચાંદી, ક્રેડિટ કાર્ડઃ 1 સપ્ટેમ્બરથી થશે આ 6 મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર શું અસર થશે?

1 સપ્ટેમ્બરથી ઘણા મોટા અને મહત્વના ફેરફારો થવાના છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. ચાંદી પર હોલમાર્કિંગથી લઈને ATM ટ્રાન્ઝેક્શન અને રાંધણ ગેસના ભાવ સુધી બધું જ તેની સાથે જોડાયેલું છે. તેથી આ નવા નિયમો વિશે અગાઉથી જાણી લેવું ખૂબ જ જરૂરી છે. જેથી તમારે આગળ જતાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ચાલો તમને આ ફેરફારો વિશે વિગતવાર જણાવીએ.

ચાંદી પર હોલમાર્કિંગના નવા નિયમો

સરકાર ચાંદીની ખરીદી-વેચાણને વધુ પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાની જેમ ચાંદીના દાગીના પર હવે હોલમાર્કિંગ ફરજિયાત થવાની તૈયારી ચાલી રહી છે. આનો અર્થ એ થયો કે ચાંદીની ગુણવત્તા અને દરોને લઈને કડક નિયમો લાગુ થશે. જો તમે ચાંદીમાં રોકાણ કરો છો કે દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ નવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ફેરફારથી ચાંદીનું બજાર વધુ વિશ્વસનીય બનશે, સાથે જ ચાંદીના ભાવ પર પણ અસર થઈ શકે છે.

SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

1 સપ્ટેમ્બરથી SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવણી, પેટ્રોલ-ડીઝલની ખરીદી કે ઓનલાઈન શોપિંગ પર હવે વધારાના ચાર્જ લાગી શકે છે. જો તમારું ઓટો-ડેબિટ ફેલ થશે, તો 2% પેનલ્ટી લાગશે. આ ઉપરાંત, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પર પણ વધારાની ફી ચૂકવવી પડી શકે છે. રિવોર્ડ પોઈન્ટ્સની વેલ્યૂ પણ ઘટી શકે છે. જો તમે SBI કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા ખર્ચનો હિસાબ પહેલેથી જ કરી લો, જેથી તમે પેનલ્ટીથી બચી શકો.

LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. 1 સપ્ટેમ્બરે પણ ભાવ વધી કે ઘટી શકે છે. આ ભાવ ઓઈલ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય બજાર (ગ્લોબલ માર્કેટ)ના આધારે નક્કી થાય છે. જો ભાવ વધશે, તો તમારું રસોડાનું બજેટ થોડું ખોરવાઈ શકે છે. પરંતુ જો ભાવ ઘટશે, તો તે તમારા માટે રાહતના સમાચાર હશે. તેથી, તમારા માસિક ખર્ચનું પ્લાનિંગ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખો.

ATM ટ્રાન્ઝેક્શન પર નવા ચાર્જ

કેટલીક બેંકોમાં ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. જો તમે નિર્ધારિત મર્યાદાથી વધુ વખત ATMનો ઉપયોગ કરશો, તો વધારાના ચાર્જ લાગી શકે છે. આથી, બિનજરૂરી ATM ટ્રાન્ઝેક્શન ટાળો અને ડિજિટલ પેમેન્ટ (UPI, નેટ બેન્કિંગ)નો ઉપયોગ વધારો

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં ફેરફાર

કેટલીક બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં ફેરફાર થઈ શકે છે. હાલમાં મોટાભાગની બેંકો 6.5%થી 7.5% વ્યાજ આપે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ દરો ઘટી શકે છે. જો તમે FDમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો હાલના ઊંચા વ્યાજ દરનો લાભ લેવા માટે એક્સપર્ટની સલાહથી ઝડપથી નિર્ણય લો.

GST Reformsને લઈને નિર્ણય

શુક્રવારે, 22 ઓગસ્ટે મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી છે કે GST કાઉન્સિલની 56મી બેઠક 3 અને 4 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠકમાં ટેક્સમાં ઘટાડાને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો સરકાર ટૂંક સમયમાં જ GST ટેક્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જાણકારોનું કહેવું છે કે, હવે જીએસટીના 4 ટેક્સ સ્લેબની જગ્યાએ 2 ટેક્સ સ્લેબ (5 ટકા અને 12 ટકા) હશે. જેનાથી સામાન્ય લોકોને ફાયદો થઈ શકે છે.