ગુજરાતમાં હવે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સારો એવો વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. આ દરમિયાન આજે રાજ્યના 18 જિલ્લામાં સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર, 10 અને 11 જુલાઈના રોજ રાજ્યના અમુક વિસ્તારમાં હળવો અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ જિલ્લાઓમાં થઈ શકે છે સારો વરસાદ
પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે છે. તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો નડિયાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદમાં મધ્યમ વરસાદની સંભાવાના છે. તો દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલ સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ગુજરાત અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને હજી પડશે. આજે અને આવતીકાલે ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે.
કચ્છમાં ઘટશે વરસાદની તીવ્રતાઃ પરેશ ગોસ્વામી
તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટશે, સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં સારા વરસાદની સંભાવના છે. જોકે, આવતીકાલે 11 જુલાઈએ વરસાદ હશે પરંતુ તીવ્રતા ઓછી જોવા મળશે. તો ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ એક બે જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.