વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે. રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં ઝરમર તો ક્યાંક ચાર ઈંચ સુધીના વરસાદ નોંધાઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે.
તેમના જણાવ્યા અનુસાર, હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો 10 ઈંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં આજથી વરસાદમાં ઘટાડો થઈ શકે છે. વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ વધુ એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે. જેના લીધે ગુજરાતમાં લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે.
23 અને 24 તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા નોંધાતા રહેશે. ત્યાર બાદ 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. જે 31 તારીખ સુધી ચાલશે
બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે. જ્યારે ગુજરાતમાંથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે.
રાજ્યના 80થી 85 ટકા વિસ્તારમાં ખૂબ સારા વરસાદ હશે. જેમાં 3થી 5 ઈંચ એવરેજ વરસાદ હશે. અમુક વિસ્તારોમાં 7થી 10 ઈંચ સુધીના વરસાદ નોંધાશે. તેમાં પણ 27થી 31 તારીખનું સેશન અતિભારે હશે. અમુક જગ્યાએ 10 ઈંચ કરતાં વધુ વરસાદ ટૂંક સમયમાં પડી જાય તો ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે છે.