Top Stories

86 તાલુકાનાં ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું ઐતિહાસિક 500 કરોડનું કૃષિ રાહત પેકેજ

ગઈ કાલે (27/05/2021 ના રોજ) ગુજરાત સરકારે 500 કરોડ રૂપિયાનું ઐતિહાસિક તાઉ’તે વાવાઝોડા નુકસાન ભરપાઈ માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ગુજરાતમાં સૌથી વધુ નુકસાન અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લા માં થયું છે. આ જિલ્લા સહિત ગુજરાતનાં 86 તાલુકાનાં ખેડૂતોને સહાય આપવામાં આવશે. ગુજરાતનાં 86 તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરી પૂર્ણ કરવામાં આવી છે. કામગરી બાદ એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોના ખાતામાં ડી.બી.ટી.થી સહાય જમા કરવામાં આવશે. ગુજરાતમાં નુકસાનીનો સમગ્ર સર્વે જ સપ્તાહમાં પૂર્ણ કરવાનો રેકોર્ડ ગુજરાતે બનાવ્યો છે તેવું પણ વિજય ભાઈએ કાલે જણાવ્યું હતું.

  • ૫૦૦ કરોડ નું એતિહાસિક કૃષિ રાહત પેકેજ
  • ૮૬ તાલુકાના ખેડૂતોને મળશે લાભ
  • એક અઠવાડિયામાં આપવામાં આવશે સહાય

ગઈ કાલે કોર કમિટી ની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, કૃષિ મંત્રી આર સી ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં આ અંગેનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે તાઉ - તે વાવાઝોડાં નાં કારણે સૌથી વધુ અસર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ આ પાંચ જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં થઈ છે. રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેકટર વિસ્તારમાં કૃષિ અને બાગાયત પાકોને વધુ નુકસાન થયું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે 17મી મેની રાત્રિએ ઊનાના દરિયાકાંઠે થી ગુજરાતમાં પ્રવેશેલું આ વાવાઝોડુ 220 પ્રતિ કલાકની ઝડપે ગુજરાતને ચીરીને 18મી મે એ રાજસ્થાન તરફ ગયું હતું. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આંબા, નાળિયેરી, લીંબુ, ચીકુ જેવા વૃક્ષો પડી જવાને કારણે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે હેકટર દીઠ મહત્તમ રૂપિયા 1 લાખની સહાય, વધુમાં વધુ બે હેકટર ની મર્યાદામાં સહાય આપવાનો નિણર્ય કર્યો છે.

કોને કોને લાભ મળી શકે? 

ઉનાળુ પિયત પાકોને નુકસાન થયું હોય, બાગાયતી પાકોને નુકસાન થયું હોય તેમજ ફળ ઝાડ પડી જવાથી નુકસાન થયું હોય અને એ નુકશાન 33%થી વધુ હોય તો રાજ્ય સરકાર આપશે ઉદારતમ સહાય. 

  1. બાગાયતી પાકોના ફળ ઝાડ મૂળ સહિત ઉખડી જવાના કિસ્સામાં હેક્ટર દીઠ વધુમાં વધુ રૂ. એક લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં અપાશે, એટલે વધુમાં વધુ ૨ લાખ ની સહાય મળી શકે.
  2. ઝાડ ઉભા હોય પરંતુ પાક ખરી પડ્યો હોય ( જેમ કે આંબા મા કેરી ) તેવા કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. 30,000ની સહાય રાજ્ય સરકાર કરશે, એટલે વધુમાં વધુ ૬૦૦૦૦ ની સહાય મલી શકે.
  3. ઉનાળુ કૃષિ પાકોને ( બાજરી, મગફળી, જુવાર, કઠોળ વગેર… ) નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. 20,000 સહાય અપાશે, એટલે વધુમાં વધુ ૪૦૦૦૦ ની સહાય મળી શકે.

આ અગાઉ પણ સરકારે જાહેરાત કરી હતી કે તાઉ’તે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝૂપડાંઓ વગેરેને નુકશાન થયું છે તેમને સહાય મળશે. 

મકાનોને થયેલા નુકસાન અંગે સહાયના ધોરણો:

1) સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. 95,100ની સહાય.
2) અંશત: નુકસાન પામેલા મકાનો માટે રૂ. 25,000ની સહાય.
3) ઝૂંપડાઓ માટે રૂ. 10,000ની સહાય.
4) પશુ રાખવાની જગ્યા ગમાણ-વાડાને થયેલા નુકસાન માટે રૂ. 5,000ની સહાય. 

આ માહિતી સૌરાષ્ટ અને દક્ષીણ ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો.