કોઈ મોટી કંપની કે સરકારી ઓફીસમાં કામ કરતી મહિલાઓ તો પોતાની રીતે બચત કરવાના વિકલ્પો શોધી લે છે પરંતુ ઘરે કામ કરતી બધી મહિલાઓને આવી રોકાણ કરવાની યોજનાઓ વિશે વિશેષ માહિતી હોતી નથી. તેઓ હંમેશા પરંપરાગત ચાલી આવતી રીતોથી બચત કરે છે. હવે જ્યારે તમારી સામે રોકાણ કરવાના ડઝનબંધ વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે તેની યોગ્ય પસંદગી કરવી જરૂરી છે.
ગૃહિણીઓ ભલે પરિવારને આર્થિક રીતે મદદ ન કરી શકે, પરંતુ ઘર બાંધવામાં તેમનો ફાળો ઘણો વધારે છે. આપણા દેશમાં મહિલાઓને ઘર સંભાળવાના બદલામાં કોઈપણ પ્રકારની આર્થિક મદદ મળતી નથી, જે સારી બાબત નથી.
જોકે, સમયાંતરે તેમને પતિ અને માતા-પિતા પાસેથી રોકડ રકમ મળે છે. આ સિવાય તેમને ઘરના ખર્ચ માટે પણ પૈસા મળે છે. મહિલાઓમાં એક ખાસ ગુણ હોય છે કે તેઓ કેટલાક જરૂરી ખર્ચમાંથી પણ બચત કરી લે છે. જો તેણી થોડા પૈસા બચાવતી હોય તો તે મહત્વનું છે કે યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે જેથી તે પૈસાનું મૂલ્ય વધતું રહે. આ લેખમાં આપણે જાણીશું કે મહિલાઓએ નાણાકીય આયોજન કેવી રીતે કરવું જોઈએ.
મ્યુચ્યુઅલ ફંડ એ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં વળતર સારૂ મળે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ SIPની મદદથી કરી શકાય છે. ઘણા મ્યુચ્યુઅલ ફંડમાં 100 રૂપિયાનું માસિક રોકાણ પણ કરી શકાય છે. યોગ્ય સમયે, મહિલાઓ તેમની બચતમાંથી વધારાની NAV ખરીદી શકે છે. જરૂરિયાતના સમયે NAV વેચીને પણ નાણાં એકત્ર કરી શકાય છે.
મહિલાઓ બોન્ડમાં પણ રોકાણ કરી શકે છે. તે લોન જેવું છે જે ખરીદી પર વાર્ષિક ધોરણે વ્યાજ મળે છે. આ સમય દરમિયાન તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. જોકે, બોન્ડ પરનું વળતર ઘણું ઓછું છે.
જો મહિલાઓ લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતી હોય તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સરસ યોજના છે. નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા PPFમાં જમા કરાવવા જરૂરી છે. તેમાં ઓછામાં ઓછા 15 વર્ષ માટે રોકાણ કરવું પડશે. સાત વર્ષ પછી આંશિક ઉપાડની સુવિધા પણ ઉપલબ્ધ છે. હાલમાં તેના પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળે છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ગેરંટીડ રિટર્ન મળે છે. આ માટે લોક ઇન પીરિયડ 5 વર્ષ છે. આમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હાલમાં વ્યાજ દર 6.8 ટકા છે.
જો મહિલાઓની રુચિ શેરબજારમાં હોય તો તેઓ સીધા જ ઈક્વિટીમાં રોકાણ કરી શકે છે. આમાં વળતર વધારે છે પરંતુ જોખમ પણ વધારે છે. ઈન્ટરનેટ પર રોકાણ વિશે યોગ્ય જગ્યાએથી માહિતી મેળવો. યોગ્ય સ્ટોક પસંદ કરો. જો તમે યોગ્ય સમયે યોગ્ય સ્ટોકમાં રોકાણ કરો છો, તો તમને સારું વળતર મળી શકે છે.