khissu

નાગા સાધુ કેવી રીતે બને છે?કુંભમેળા પછી ક્યાં અદ્રશ્ય થઈ જાય છે

કુંભ મેળામાં નાગા સાધુઓ એક આકર્ષણનું કેન્દ્ર હોય છે. નાગા સાધુઓનું જીવન બીજા સાધુઓ કરતાં સૌથી વધુ મુશ્કેલ હોય છે. માનવામાં આવે છે કે શૈવ પરંપરાની સ્થાપના સાથે તેઓનો સંબંધ રહેલો છે.

તો ચાલો જાણી લઈએ કેવી રીતે બને છે નાગા સાધુ અને તેઓનું જીવન કેવું હોય છે :   

કુંભમાં જોડાતા ૧૩ અખાડાઓમાંથી, સૌથી વધુ સંખ્યામાં નાગા સાધુ જૂના અખાડામાંથી બનાવવામાં આવે છે. નાગા સાધુ બનતા પહેલાં તેઓને ઘણી પરિક્ષાઓમાંથી પસાર થવું પડે છે. આ માટે તેઓની અને તેના પરિવારની તપાસ કરવામાં આવે છે. તેઓએ કેટલાયે વર્ષો સુધી પોતાના ગુરુની સેવા કરવી પડે છે અને પોતાની બધી ઈચ્છાઓનો પણ ત્યાગ કરવો પડે છે.

કેવી રીતે બને છે નાગા સાધુ :

ઇતિહાસનાં પાનાઓમાં નાગા સાધુઓનું અસ્તિત્વ સૌથી પ્રાચીન છે. નાગા સાધુ બનવા માટે મહાકુંભ દરમિયાન જ પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેના માટે તેઓએ બ્રહ્મચર્યની પરીક્ષા આપવી પડે છે જેમાં ૬ મહિના થી લઈને ૧૨ વર્ષનો સમય લાગી શકે છે. બ્રહ્મચર્યની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓને મહાપુરુષનો દરજ્જો આપવામાં આવે છે. તેઓના માટે પાંચ ગુરુ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશજી ને નિર્ધારિત કરવામાં આવે છે ત્યારબાદ નાગા સાધુઓના વાળ કાપી નાખવામાં આવે છે અને મહાકુંભ ના સમયે ગંગા નદીમાં ૧૦૮ ડૂબકીઓ મારવી પડે છે.

મહાપુરુષ પછી બને છે અવધૂત : 

મહાપુરુષ બન્યા પછી જ નાગાસાધુઓની અવધૂત બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. તેઓએ પોતાનું જ શ્રાદ્ધ કરીને પોતાનું પિંડદાન કરવું પડે છે. આ દરમિયાન સાધુ બનવા માટે તેઓને ૨૪ કલાક સુધી નિર્વસ્ત્ર અખાડામાં ધ્વજની નીચે ઉભું રહેવું પડે છે જેમાં પાસ થાય બાદ જ નાગા સાધુ બનવવામાં આવે છે.

નાગા સાધુ બનવા માટે ક્યાં સ્થળોએ પરીક્ષા આપવી પડે છે :

હરિદ્વારમાં ગંગા નદી, ઉજ્જૈનની શિપ્રા નદી, નાસિકની ગોદાવરી નદી અને અલાહાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતી ના મિલન  સ્થાન વગેરે ચાર પવિત્ર સ્થાનોએ કુંભનું આયોજન કરવામાં આવે છે. તેથી નાગા સાધુ બનવા માટે પણ આ સ્થાનોએ પરીક્ષા આપવી પડે છે. એવું માનવામાં આવે છે કે આ ચાર જગ્યાએ અમૃતના ટીપાં પડ્યા હતા ત્યારથી આજ સુધી કુંભનું આયોજન આ ચાર જગ્યાએ કરવામાં આવે છે.

નાગા સાધુઓ પોતાના શરીર પર રાખ લગાવે છે :

નાગા સાધુ બન્યા પછી તેઓએ પોતાના શરીર પર એક મૃત શરીરની રાખ શુદ્ધ કરીને લગાવી પડે છે. જો મૃત શરીરની રાખ ઉપલબ્ધ ન હોય તો હવનની રાખ લગાવે છે. 

નાગા સાધુએ જમીન પર સૂવું પડે છે :

નાગા સાધુઓ ગળામાં અને હાથમાં રુદ્રાક્ષ અને ફૂલોની માળા પહેરે છે. નાગા સાધુઓને ફક્ત જમીન પર સૂવાની છૂટ છે તેઓ ગાદલા કે ઓશિકાનો ઉપયોગ કરી શકે નહીં. આવા ઘણાં બધાં નિયમોનું પાલન કરવાનું હોય છે.

નાગા સાધુનું જીવન ખૂબ રહસ્યમય હોય છે. તેઓ કુંભના મેળા પછી ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. નાગા સાધુઓ વન માર્ગે મોડી રાત્રે મુસાફરી કરતા હોવાનું કહેવામાં આવે છે તેથી તેઓ કોઈને નજરે નથી આવતાં. 

નાગા સાધુઓ સમય-સમય પર તેઓનું સ્થાન બદલી નાખે છે આને કારણે તેઓની ચોક્કસ સ્થિતિ જાણવી ખૂબ જ મુશ્કેલ છે. આ લોકો ગુપ્ત જગ્યાએ રહીને જ તપસ્યા કરે છે.