દરેક વ્યક્તિને નિવૃત્તિની ચિંતા હોય છે. ખાસ કરીને જ્યારે વધતી ઉંમર સાથે આવકના સ્ત્રોત મર્યાદિત થઈ જાય છે. પરંતુ જો તમે અત્યારથી થોડું આયોજન કરો છો તો તમે વૃદ્ધાવસ્થામાં આર્થિક મુશ્કેલીઓથી બચી શકશો. દર મહિને પેન્શન પણ મેળવી શકો છો.
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એક એવો વિકલ્પ છે જે 25 વર્ષની ઉંમરથી દર મહિને ફક્ત રૂપિયા 5,000 નું રોકાણ કરીને તમને નિવૃત્તિમાં રૂપિયા 1 લાખથી વધુનું પેન્શન આપી શકે છે.
5 હજારનું રોકાણ કરી રૂપિયા 1 લાખ પેન્શન કેવી રીતે મેળવવું?
જો તમે 25 વર્ષની ઉંમરથી NPSમાં દર મહિને રૂપિયા 5,000નું રોકાણ કરવાનું શરૂ કરો છો તો 60 વર્ષની ઉંમર સુધીમાં તમારું રોકાણ એક મોટું ભંડોળ બની શકે છે. ધારીએ કે તમે દર વર્ષે તમારા રોકાણમાં 5 ટકાનો વધારો કરો છો અને તમારું રોકાણ મિશ્રણ ઇક્વિટીમાં 75 ટકા અને સરકારી બોન્ડમાં 25 ટકા છે.
આ સ્થિતિમાં 33 વર્ષ પછી તમારું કુલ રોકાણ લગભગ રૂપિયા 54.73 લાખ થશે. પરંતુ બજારના વળતર અને ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે તમારું નિવૃત્તિ ભંડોળ લગભગ રૂપિયા 4.45 કરોડ સુધી વધી શકે છે. જોકે આ અંદાજિત છે. આ માટે જો 30 વર્ષથી વધુ સમય સુધી સતત 10%થી વધુ વળતર મળે તો તે શક્ય બની શકે છે.
NPS નિયમો પ્રમાણે નિવૃત્તિ સમયે તમે તમારા ભંડોળનો 60 ટકા ભાગ એકસાથે ઉપાડી શકો છો. આ મુજબ તમને એકસાથે આશરે રૂપિયા 2.67 કરોડ મળશે. બાકીની 40 ટકા રકમ તમારે વાર્ષિકી ખરીદવા માટે વાપરવી પડશે, જે તમને દર મહિને પેન્શન આપશે. જો વાર્ષિકી પર વળતરનો દર 6.75 ટકા માનવામાં આવે, તો તમને દર મહિને રૂપિયા 1,00,281નું પેન્શન મળી શકે છે. આ રકમ ફક્ત તમારી નિવૃત્તિને સુરક્ષિત કરશે નહીં પરંતુ તમને નાણાકીય સ્વતંત્રતા પણ આપશે.