હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વર્તમાનમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવશે. આજ, શનિવાર (૩ મે, ૨૦૨૫) થી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા ૩ મે થી ૭ મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિભાગોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ (માવઠાં) ની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ કમોસમી વરસાદની આગાહીને જોતા ખેડૂતોને પણ જે માલસામાન ખુલ્લો પડ્યો હોય એને સલામત સ્થળે ખસેડી લેવા માટે અપીલ કરવામાં આવી છે. ભરઉનાળે વાતાવરણમાં આવનારા આ પલટા અને કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાનો ભય રહેલો છે, જેના માટે તંત્ર અને નાગરિકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઊંચું તાપમાન હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે. 3 મે 2025 થી 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમા ગાજવીજ અને પવન સાથે માવઠાનો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે. દક્ષિણ પાકિસ્તાન પર એક સિસ્ટમ બની છે. જેથી 3 થી 9 મેના રોજ માવઠું થશે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ કચ્છમાં અસર થશે. ગાજવીજ-તોફાની પવન પણ જોવા મળી શકે છે, ખેડૂતોએ પણ સાવચેતી રાખવી જોઈએ જેથી તૈયાર પાકને બગડતો અટકાવી શકાય.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે, આંધી-તોફાન સાથે કમોસમી વરસાદ ત્રાટકશે. રાજ્યમાં 50થી 60 કિલોમીટરની ઝપડે પવનો ફૂંકાશે. 4થી 8 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે.