khissu

રસપ્રદ વાત / વરસાદ લાવવા લોકો શું-શું નથી કરતા, વરસાદનાં દેવતાને ખુશ કરવા થાય છે જુદા-જુદા કિમિયા

સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. પરંતુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ વરસાદ નથી પડ્યો અને ભારત દેશનાં લોકો માન્યતાઓમાં વિશ્વાસ પણ રાખે છે. વરસાદના ભગવાન ઈન્દ્રને રિજાવવા દેશમાં ઘણી પ્રથાઓ પ્રચલિત છે. ભારતની અંદર 1876 માં ભારે દુકાળ પડયો હતો. એવો ભૂખમરો ફેલાયો કે માત્ર 2 વર્ષમાં 50 લાખ લોકોનો મૃત્યુ થયા હતા. ત્યારબાદ બે દાયકા પછી ફરી એક વખત મોટા દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. 19મી સદી આસપાસ ખેડૂતોને એવું લાગવા લાગ્યું કે તેના ભગવાન તેનાથી નાખુશ હશે. દેવતાના ક્રોધને શાંત કરવા દેશનાં અલગ અલગ પ્રદેશોમાં નવા કિમિયા અપનાવવામાં આવ્યા.

દેડકા દેડકી નાં લગ્ન કરવામાં આવતા:- વરસાદ માટે દેડકા દેડકીનાં લગ્ન પરંપરાગત રીતે આસામમાં કરવામાં આવતા હતા. પરંતુ હવે દેશના યુપી, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ આ રિવાજ ઉજવવામાં આવે છે. 2019 ની અંદર એક મામલો ખૂબ રસપ્રદ બન્યો હતો. વાત જાણે એમ હતી કે વરસાદ પહેલા દેડકા દેડકીનાં લગ્ન કરવામાં આવ્યા પરંતુ ખૂબ વરસાદ પડવાના કારણે બન્નેના છૂટાછેડા કરવામાં આવ્યા હતા.

લોક પ્રથાના જાણકારો માને છે કે દેડકા દેડકીનાં લગ્નનું કનેક્શન ચોમાસા સાથે જોડાયેલું છે. દેડકા દેડકીનાં લગ્ન વરસાદનાં પ્રતીક તરીકે કરવામાં આવે છે જેથી તે બંને મળવા માટે તૈયાર થાય અને વરસાદ આવે.

જમીનમાં વાસણ દાટીને વરસાદ નુ પૂર્વાનુમાન:- વરસાદની ભવિષ્યવાણી માટે ઝારખંડના સરાયકેલા વિસ્તારોમાં એક પ્રથા પ્રચલિત છે. ચૈત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન ઘણા લોકો નદીમાંથી પાણી ભરીને શિવમંદિરમાં કળશ દાંટે છે. પૂજારી બીજા દિવસે જમીન ખોદીને બધા કળશ જોવે છે. જો કળશમાં પાણી નુ સ્તર એટલું જ હોય તો સારો વરસાદ થવાના સંકેત છે અને જો કળશ ખાલી થઈ જાય તો તે વરસાદ ન થવાનો સંકેત છે.

તુંબા વગાડવાની પ્રથા:- પાંડવોની અંદર ત્રીજો ભાઈ ભીમ હતો. બસ્તર વિસ્તાર છત્તીસગઢમાં આવેલો છે ત્યાંના ગોંડ જાતિના લોકો ભીમ ને ભગવાન માને છે, જેને વરસાદનું પ્રતીક પણ માને છે. સ્થાનિક માન્યતાઓ પ્રમાણે ભીમ જ્યારે તુંબા વગાડતો ત્યારે વરસાદ પડતો. તુંબા એક પ્રકારનું વાજિંત્ર છે. તે ગોંડનાં ભિમા સમુદાયના લોકો દ્વારા ભજવવામાં આવે છે. આજે પણ લોકો માને છે કે જ્યારે ભીમ તુંબા વગાડે છે ત્યારે વરસાદ પડે છે. આ પ્રથા છતિસગઢનાં ઘણા વિસ્તારોમાં પ્રચલિત છે.

કાદવ થી સ્નાન કરવાની પ્રથા:- છત્તીસગઢનાં નારાયણપુર વિસ્તારોમાં મૂડિયા જાતિના લોકોમાં પણ એક રોચક પ્રથા છે. જેમાં કોઈ વ્યક્તિને ભીમ દેવ બનાવવામાં આવે છે ત્યાર બાદ તેને ગાયના છાણ અને કાદવથી ઢાંકી દેવામાં આવે છે. લોકોનું માનવું છે કે આને કારણે દેવતાને શ્વાસ લેવામાં તકલીફ પડશે. જેમાંથી રાહત મેળવવા દેવતા વરસાદ કરશે અને કાદવ ધોવાય જશે. ઉત્તરપ્રદેશનાં કેટલાક વિસ્તારોમાં નાના છોકરાઓ કાદવમાં સુવે છે અને હાથ જોડીને ભગવાન ને પ્રાર્થના કરે છે. તેઓ માને છે કે આમ કરવાથી ઇન્દ્ર ભગવાન પ્રસન્ન થશે અને વરસાદ વરસાવશે.

નગ્ન સ્ત્રી દ્વારા ખેતી કરાવવામાં આવતી:- 1873-74 ની અંદર ગોરખપુરમાં દુકાળ પડ્યો હતો. આ દરમિયાન એવા ઘણા કિસ્સા જોવા મળ્યા હતા કે અવિવાહિત સ્ત્રીઓ કપડાં પહેર્યા વિના રાત્રે ખેતરમાં કામ કરતી. જેનો ઉલ્લેખ પોપ્યુલર રિલીઝન એન્ડ ફોક- લોર ઓફ નોર્ડન ઇન્ડિયા નામના પુસ્તકમાં પણ છે. આ પ્રથા બિહાર, યુપી અને તમિલનાડુનાં ગ્રામીણ વિસ્તારમાં પણ પ્રચલિત છે. લોકોની માન્યતા છે કે આ પ્રથાથી વરસાદનાં દેવતાને શરમ આવે છે અને તે વરસાદ મોકલે છે.

કર્ણાટક અને ગુજરાતના કેટલાક મંદિરોમાં, પંડિતો પાણીથી ભરેલા વાસણોમાં બેસીને વૈદિક મંત્રોચ્ચાર કરે છે. તેઓ માને છે કે આનાથી સારો વરસાદ થશે અને તાપમાનમાં ઘટાડો થશે.

તમિલનાડુમાં એક લોકગીત છે જેને નલથાંગલ કહે છે. જ્યારે કોઈ પ્રદેશ દુકાળનો ભોગ બને છે ત્યારે તે 10 રાત સુધી આ ગીત ગાવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ ગીતની વાર્તા એટલી સ્પર્શી છે કે દેવતાઓનાં હૃદય ઓગળી જાય છે અને વરસાદ પડે છે.