રાજ્યનું હવામાન હાલ બે ઋતુનો અનુભવ કરાવી રહ્યુ છે. સવારે અને રાતે ઠંડા પવનો સાથે ઠંડી લાગે છે ત્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે ખેડૂતના બુલેટિનમાં વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બુધવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં હવામાન અંગેની પાંચ દિવસની આગાહી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસમાં વરસાદનું કોઇ અનુમાન નથી. 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. બીજા દિવસથી આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચુ રહેવાની શક્યતા છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, આ ઠંડીનો છેલ્લો રાઉન્ડ છે તેમ પણ કહી શકાય. આ દિવસો પછી તાપમાન આનાથી વધારે ઓછું નહીં થાય. ઓછું તાપમાન નોંધાશે નહીં. આવનારા દિવસોમાં આનાથી વધારે કે આવું જ તાપમાન જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બુધવારે અમદાવાદમાં 16.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તેમણે પવન અંગે પણ જણાવ્યુ છે કે, દરિયાકાંઠે પનની વાત કરીએ તો 15થી 20 પ્રતિકલાક ફૂંકાવવાનું અનુમાન છે.
ખેડૂત બુલેટિનમાં જણાવ્યા પ્રમાણે, મહેસાણા જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 15-02-2024 થી 18-02-2024 દરમિયાન આકાશ અશંત વાદળછાયું રેહવાની સંભાવના છે. આગાહીના સમયગાળા દરમિયાન જિલ્લાના છુટા-છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. માવઠાના હવામાનના લીધે રવિ પાકમાં રોગ/જીવાત આવવાની શક્યતા છે. રાયડામાં મોલોમશી ઉપદ્રવ થવાની સંભાવના છે. તેના નિયત્રણ માટે જંતુનાશાક દવા ડાયમિથોએટ 10 મી.લિ. અથવા ફોસ્ફામીડોન 3 મી.લિ. દવા 10 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો જોઇએ અને બીજો છંટકાવ 10 થી 12 દિવસે કરવો જોઇએ.
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે. જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. 18થી 20 ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધુળ ઉળશે અને ગરમી રહેશે.