રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રીય, જાણો હવામાન ખાતાની શું છે નવી આગાહી

રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રીય, જાણો હવામાન ખાતાની શું છે નવી આગાહી

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે આજે શનિવારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં ફરી એક વખત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે સિસ્ટમની અસરના પગલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે થંડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ તેમણે આગામી ચાર દિવસ દરમિયાન હળવા થંડર સ્ટોર્મની આગાહી કરી છે. જેમાં પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

 

તેમણે જણાવ્યું કે, અત્યારે એક મોન્સૂન ટ્રફ છે અને અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જેના લીધે આગામી ચાર દિવસ હળવા થંડર સ્ટોર્મની ચેતવણી છે. એક લો પ્રેશર બંગાળની ખાડીમાં બન્યું છે, આગામી 24 કલાક દરમિયાન તેની હલચલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં રહેશે. આ સિસ્ટમના પ્રભાવને જોતાં આગામી ચાર દિવસ ગુજરાતમાં થંડર સ્ટોર્મની ચેતવણી આપવામાં આવી છે.

 

આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં 25 ડિગ્રી સુધી તાપમાન રહેશે. જ્યારે આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદ અને થંડર સ્ટોર્મની આગાહી છે.

 

વરસાદની માહિતી આપતાં રામાશ્રય યાદવે જણાવ્યું કે, 1 જૂનેથી 13 સપ્ટેમ્બર સુધી સામાન્ય કરતા 27% વધારે વરસાદ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા 33 ટકા વધુ વરસાદ પડ્યો છે.