હવામાન વિભાગે આજના દિવસ માટે કહ્યું કે, ઠંડીમાં આંશિક રાહત મળે તેવી સંભાવનાઓ છે. આ દરમિયાન તાપમાન 1થી2 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. 18 તારીખ પછી પવનની ગતિમાં પણ ઘટાડો થઈ શકે છે. જો કે, 18 તારીખ પછી ઝાંકળ પડશે તેવું લાગી રહ્યું છે. જોકે, આખા રાજ્યમાં તેનો પ્રભાવ જોવા નહીં મળે માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાંકળો પડી શકે છે.
ઠંડીને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 22 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના અનેક ભાગોમાં 22,23 અને 24 તારીખે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા છે. હવામાનની વિપરિત અસરથી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે.
ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાકળ જોવા મળી શકે છે
એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઝાકળ જોવા મળી શકે છે. કદાચ 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે. સુરતમાં વધારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. તેમજ ઉત્તર ભારત ફરી એક વખત ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં આવ્યું છે, જેને પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
હવામાન વિભાગે આગામી સમયમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં 11 રાજ્યોમાં ઠંડી સાથે વરસાદની એલર્ટ આપી છે જ્યારે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડ-ડેની સ્થિતિ જોવા મળી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તર ભારત અને પર્વતીય રાજ્યોમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન પલટાશે. મેદાની વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. આ સમયમાં હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ગાજ-વીજ સાથે વરસાદ પડી શકે છે.