ગુજરાતમાં ચોમાસુ લાંબા સમય સુધી સક્રિય રહેવાની શક્યતા છે, જેનું મુખ્ય કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ છે. હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમોને કારણે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદની તીવ્રતા યથાવત રહેવાની શક્યતા છે.ખાસ કરીને 21 થી 24 સપ્ટેમ્બર દરમિયાન હળવો થી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. જોકે, વરસાદ વિશે સ્પષ્ટ અને વિગતવાર માહિતી 19 થી 20 સપ્ટેમ્બરની આસપાસ જાહેર કરી શકાય છે.
અંબલાલ પટેલે નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં મોટો વરસાદ થવાની આગાહી કરી છે. તેમના મતે, નવરાત્રિના પહેલા ત્રણ દિવસમાં ગરમી અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 6 નવેમ્બરથી દશેરા સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દિવાળી દરમિયાન વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં 10 થી 20 મીમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં 18 થી 25 સપ્ટેમ્બર દરમિયાન 1 થી 5 મીમી હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 13 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી પણ કરી છે. જ્યારે 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 15 અને 16 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.