વહેલું ચોમાસું બેસવાની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજી સુધી કેરળમાં ચોમાસુ બેસવા માટેની Official જાહેરાત કરવામાં આવી નથી. જો કે આવનાર 36થી 48 કલાકમાં કેરળમાં ચોમાસુ દસ્તક આપી દેશે અને હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે તેવી પૂરી સંભાવના અને પરિબળો છે.
હવામાન વિભાગની જાહેરાત મુજબ ભારતની ભૂમિ ( અંદબાર નિકોબાર ટાપુ) પર 16 તારીખના રોજ ચોમાસુ પહોંચી ગયુ હતું. સાથે હવામાન વિભાગનું અનુમાન હતું કે 26 તારીખે કેરળમાં ચોમાસું પહોંચી જશે પરંતુ હજી સુધી કોઈ જાહેરાત થઈ નથી. જોકે તેની ગતિએ આગળ વધતું ચોમાસું માલદીવ અને શ્રીલંકા પહોંચી છે. અરબી સમુદ્રની અંદર પણ ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે.
આજથી પવન જોર વધશે
27 તારીખથી ફરી પવનની ઝડપ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ અને લાગુ વિસ્તારો માં વધશે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમુક વિસ્તારોમાં 40km પ્રતિ કલાક કરતા પણ વધુ પવન ફૂંકાય શકે છે. 2-3 જૂન સુધી આવી ઝડપના પવનો દરિયાકાંઠાના વિસ્તારોમાં ફુકાઈ શકે છે જેમને મીની વાવાઝોડું પણ ગણી શકાય છે.
ઝાપટા પડી શકે છે.
29, 30 અને 31 તારીખ દરમિયાન વાતાવરણમાં અસ્થિરતા સર્જાવાને કારણે અમુક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ૧૨થી ૧૪ જૂન વચ્ચે આવી શકે છે. જૂન મહિનાના પહેલા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં વધારો થાય તેવી શક્યતા છે.
શું વાવાઝોડું આવશે?
છેલ્લા વર્ષના તૌકતે વાવાઝોડા પછી લોકોમાં વાવાઝોડાનો ડર મંડરાઈ રહ્યો છે. જોકે આ વર્ષે આવનાર દસથી પંદર દિવસ દરમિયાન કોઇ વાવાઝોડાની શક્યતા દેખાતી નથી એટલે કોઈએ ડરવું નહીં. સોશિયલ મીડિયામાં જે અફવાઓ ચાલે છે તેમનાથી દૂર રહેવું. હા, મીની વાવાઝોડાના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય શકે છે પરંતુ કોઈ મોટું વાવાઝોડું આવનારા 15 દિવસોમાં આવવાનું નથી.