હવામાન વિશે આગાહી કરવાની અનેક રીતો છે. જેમાં કેટલાક નિષ્ણાંતો સેટેલાઈડના માધ્યમથી તેમજ અલગ-અલગ મોડલોનું પ્રિડિક્શન કરીને આગામી દિવસોમાં હવામાનને લઈને ચોક્કસ આગાહી કરતાં હોય છે. જો કે પ્રાચીન સમયમાં કોઈ ઉપકરણો વિના હવામાનની આગાહી કરતું પરંપરાગત દેશી વિજ્ઞાન અસ્તિત્વમાં હતુ. આજે પણ ગુજરાત સહિત દેશમાં અનેક એવા લોકો પણ છે, જેઓ દેશી પરંપરાગત વિજ્ઞાનના આધારે હવામાનની આગાહી કરતાં હોય છે.
દેશી પદ્ધતિમાં કસ કાતરા, હોળીનો પવન, ચૈત્રી દનૈયા કે પશુ-પક્ષીની ચેષ્ટાના આધારે જાણકારો હવામાન વિશે માહિતી આપતા હોય છે. એવા જ એક દેશી વિજ્ઞાનના જાણકાર કિશોર આહીર દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની યુ-ટ્યુબ ચેનલમાં આવેલા દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કિશોરભાઈ દેશી કશ-કાતરા, પંચકની મદદથી તેમજ નક્ષત્રોના આધારે આગાહી દિવસોમાં હવામાન વિશે આગાહી કરી છે.
કિશોર આહીરના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી વરસાદના જે બે રાઉન્ડ આવ્યા, તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછી મેઘમહેર જોવા મળ રહી છે. આગામી 2 થી 14 ઓગસ્ટ દરમિયાન મોટી વરાપ આવવાની શક્યતા છે. જે બાદ વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્ર અને કચ્છને મળશે.
વધુમાં કિશોર આહીરે જણાવ્યું કે, આગામી 22 ઓગસ્ટથી અરબ સાગરની અંદર કોઈ તોફાની સિસ્ટમ કે નાનું-મોટું વાવાઝોડું બનવાની શક્યતા છે. જેમ-જેમ દિવસો આગળ વધશે, તેમ-તેમ તેના વિશે ચોક્કસ ખબર પડશે કે, સિસ્ટમ કેટલી મજબૂત બનશે
જે બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદનું જોર વધારે રહેશે. આ મહિનામાં ગુજરાતના જે ભાગમાં વરસાદની કમી વરતાઈ રહી છે, ત્યાં પણ આ રાઉન્ડમાં વરસાદની ભરપાઈ થઈ જશે.
દેશી મહિનાની ગણતરી પ્રમાણે જોઈએ તો, આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ વરસી શકે છે. આસો મહિનાની પૂનમ સુધી વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. જે બાદ પણ એકાદ-બે માવઠા પડવાની સંભાવના છે.