ઉત્તરાયણ નજીક આવતા જ પતંગરસિયાઓને એક જ ચિંતા સતાવતી હોય છે કે ઉત્તરાયણના બે દિવસ પવન રહેશે કે નહીં? આ ઉત્તરાયણ પર હવે પતંગરસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે.
અંબાલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિાયન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની આગાહી કરી છે. જો, ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગરસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે. માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે.
શિયાળામાં ગુજરાતે એક માવઠાનો માર સહન કરી લીધો છે. પરંતુ હજુ રાજ્ય પર સંકટના વાદળો છવાયેલા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે.
એ સમયે ઠંડીનો પારો ગગડશે. જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટો આવશે. 1થી 4 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી 4થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, જાન્યુઆરી માસના ફક્ત ચાર જ દિવસ ઠંડીમાંથી રાહત મળશે ત્યારબાદ 5 જાન્યુઆરી 2025થી એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જે 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11 થી 12 દિવસ સુધી ચાલુ રહેશે. જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડવેવની પણ સંભાવના છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પાંચમહલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહેશે. વલસાડ અને જામનગરના ભાગોમાં ઠંડી પડવાની શકયતા રહેશે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી શકવાની સંભાવના રહેશે. ઉત્તરાયણના દિવસે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે.