હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજા જતા જતા ગુજરાતને ઘમરોળશે. અંબાલાલ પટેલે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરી છે. 5થી 8 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી શકે છે. 5થી 8 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની તેમણે આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ તાપી નદીમાં પાણીની આવક વધારો થશે. સાબરમતી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થશે. આ સિવાય તેમણે રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે.
નવરાત્રિમાં વરસાદ વિલન બનશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રિમાં વરસાદ વિલન બનશે. તેમના જણાવ્યા મુજબ પ્રથમ નોરતાથી જ વાદળછાયું વાતાવરણ રહેશે. અંબાલાલની આ આગાહીથી ખેલૈયાઓમાં ચિંતામાં મૂકાશે. તેમના જણાવ્યા મુજબ પ્રથમ 5 નોરતા રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અંબાલાલની આગાહી મુજબ છઠ્ઠા નોરતાથી રાજ્યમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 27મી તારીખથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
તેમની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે. અનેક વિસ્તારમાં 4થી10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. નર્મદા ડેમમાં પાણીનું સ્તર વધવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.