khissu

સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે વીજ સંકટના નામે ઘોર અન્યાય, ઉદ્યોગોને પુરતી વીજળી પણ જગતના તાત માટે વીજકાપ!

આપણે ઘણા દિવસોથી એક વાત સાંભળી રહ્યા છીએ કે આખા ભારતમાં કોલસાની અછત હોવાના કારણે વીજકાપ ગમે ત્યારે આવી શકે છે અને અંધારપટ થવાની પુરી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં તો વીજકાપ મૂકવાની જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ આવી જ હાલત ઉભી થઈ છે, જો કે જોવા જેવી વાત એ છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વીજ અધિકારી અને તંત્રની દોંગલી નીતિ દેખાઈ રહી છે. કારણ કે એક તરફ કોલસાની ખેચને કારણે વીજ સંકટના ભણકારા વાગી રહ્યા છે તો બીજી તરફ તંત્ર સબસલામતના દાવા પણ કરે છે.

દોંગલી નીતિ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ઉદ્યોગોમાં કોઈ કાપ નહીં અને ખેડૂતો માટે અડઘી રાતે લોડ સેટિંગના નામે વીજકાપ લાદી દેવામાં આવી રહ્યો છે. આતો PGVCL અને UGVCLની વ્યવસ્થા પર સવાલો ઉભા કરી રહ્યાં છે. તો વળી એક હકીકત એ છે કે ખેડૂતોને પિયતના સમયે રાત્રે વીજળી આપવામાં આવે છે તો ખરી પણ પૂરતો સમય આપવામાં આવતો નહીં.

હાલમાં સૌરાષ્ટ્ર્રમાં પરિસ્થિતિ એવી છે કે ખેતીવાડીમાં પરોક્ષ વીજકાપ લાગુ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો ઉત્તર ગુજરાતમાં UGVCL દ્વારા 8 કલાક પણ વીજળી ન અપાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ બધી વાતો અને પરિસ્થિતિ પછી એક વાત નક્કી થઈ ગઈ કે કોલસાની અછત પછી સ્થિતિ વણસી છતાં સબ સલામતના દાવાથી તંત્રની નીતિ ઉઘાડી પડી છે. સૌરાષ્ટ્ર્રમાં વીજકાપને લઇને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. મનપા અને નગરપાલિકામાં દૈનિક કેટલાક કલાક વીજકાપ તો સૌરાષ્ટ્ર્રમાં ખેતીવાડીમાં પરોક્ષ વીજકાપ લાગુ કરવાં આવતા ખેડૂતો આકરાં પાણીએ જોવા મળી રહ્યા છે. બધાને એક જ સવાલ છે કે આ તે વળી કેવો અન્યાય કરવામાં આવી રહ્યો છે.

ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે પુરતો 8 કલાક વીજ પુરવઠો પણ અપાતો નથી. જો 8 કલાકના વીજ પુરવઠો અપાય છે તેમાં પણ વચ્ચે કાપ મુકવામાં આવ્યા છે. ખેડૂતો ઢાળિયા પદ્વતિથી ખેતી કરતા હોવાથી પિયત કરવું મુશ્કેલ બની રહ્યું છે આ રીતે PGVCLના અધિકારીની બે ઘારી નીતિ સામે આવી રહી છે ખેડૂતો આરોપ કરી રહ્યા છે કે PGVCL દ્વારા ઉદ્યોગોમાં કોઇ વીજકાપ નહીં જ્યારે સિંચાઇમાં લોડ સેટિંગના નામે વીજકાપ મૂકવામાં આવે છે એ આખરે કેટલો યોગ્ય છે.