હજુ પણ 7 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. તેમણે ક્હ્યુ કે, આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે. આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 31મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રાજ્યભરમાંથી 50થી વધુ આગાહીકારો એકઠા થયા હતા. દરેક આગાહીકારની આગાહી કરવાની શૈલી અલગ અલગ હોય છે. જેમાં ભડલી વાક્ય, પશુ-પક્ષીઓના અવાજ અને આકાશમાં વાદળોની રચના જેવા અવલોકનોના આધારે આગાહી કરવામાં આવી. મોટા ભાગના આગાહીકારોનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું ઉત્તમ રહેશે, 100 ટકાથી વધુ વરસાદ પડશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે. આ વર્ષે 16 આની જેવો વરસાદ થશે તેવી આગાહી છે
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વીપી ચોવટીયાએ જણાવ્યું, આ આગાહીકારોના જણાવ્યા મુજબ, જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ શરૂ થશે, જેનાથી ખેડૂતો વાવણી કરી શકશે. જુલાઈના અંત સુધી વાવણી માટે પૂરતો વરસાદ થશે. આ વર્ષે ચોમાસું લાંબું ચાલશે અને બે વાવાઝોડાની સંભાવના છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના અંત સુધી વાવાઝોડું આવી શકે છે. ચોમાસું ઓક્ટોબરના અંતિમ સપ્તાહ સુધી વિદાય લેશે.