જો તમે આ મહામારીના સમયમાં ઘરે બેસીને બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો આજે અમે તમને એક એવા વ્યવસાય વિશે જણાવીશું જેને શરૂ કરીને તમે સારી કમાણી કરી શકો છો. આ એક એવો બિઝનેસ છે જે ઓછા રોકાણથી શરૂ કરી શકાય છે અને સારી કમાણી કરી શકાય છે. આ ઉપરાંત આ પ્રોડક્ટની બજારમાં બારેમાસ માગ પણ રહે છે.
આજે અમે તમને જે બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ તે છે ડિસ્પોઝલ પેપર કપ. આ દિવસોમાં ડિસ્પોઝલ પેપર કપની માંગ ઘણી વધી ગઈ છે. પ્લાસ્ટિકની જગ્યાએ લોકો કાગળમાંથી બનેલા કપનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત કાગળના ગ્લાસ પણ બનાવવામાં આવી રહ્યા છે. આ ગ્લાસનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં જ્યુસ, છાસ કે સુપ આપવામાં કરવામાં આવે છે. તો બીજી તરફ આ બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી પણ મદદ આપવામાં આવી રહી છે.
વાસ્તવમાં દેશમાં દિવસેને દિવસે વધી રહેલા પ્રદૂષણને ઓછુ કરવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકાર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. જેના કારણે પેપરની માંગમાં તેજી આવી છે. ખાસ પ્રકારના કાગળમાંથી ગ્લાસ અને કપ બનાવવાના વ્યવસાયને પેપર કપ બનાવવાનો વ્યવસાય કહેવામાં આવે છે. આ અંતર્ગત વિવિધ સાઈઝના ગ્લાસ બનાવવામાં આવે છે. કાગળના બનેલા હોવાને કારણે, તેનો નિકાલ પણ સરળતાથી કરી શકાય છે. જેના કારણે પર્યાવરણને કોઈ નુકસાન પણ થતું નથી.
સરકાર સબસિડી પણ આપી રહી છે
નોંધનિય છે કે, આ બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારની મુદ્રા લોનમાંથી પણ મદદ મળે છે. મુદ્રા લોન હેઠળ સરકાર વ્યાજમાં સબસિડી આપે છે. આ યોજના હેઠળ, તમારે તમારા પોતાના પર કુલ પ્રોજેક્ટ ખર્ચના 25% રોકાણ કરવું પડશે. મુદ્રા યોજના હેઠળ સરકાર 75 ટકા લોન આપશે.
તમને જણાવી દઈએ કે, આ બિઝનેસ શરૂ કરવા માટે 500 ચોરસ ફૂટ વિસ્તારની જરૂર પડશે. મશીનરી, સાધનોની ફી, સાધનસામગ્રી અને ફર્નિચર, ડાઈ, ઈલેક્ટ્રિફિકેશન, ઈન્સ્ટોલેશન અને પ્રી-ઓપરેટિવ માટે રૂ. 10.70 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. આ માટે તમારે નાના-મોટા મશીનો વસાવવા પડશે. નાના મશીનોથી એક જ આકારના કપ બનાવી શકાય છે. જ્યારે મોટી મશીન તમામ કદના ગ્સાસ/કપ બનાવે છે.
નોંધનિય છે કે, માત્ર એક સાઈઝના કપ/ગ્લાસ બનાવવાનું મશીન તમને 1 થી 2 લાખ રૂપિયામાં મળી રહેશે. જેની મદદથી તમે ઉત્પાદન શરૂ કરી શકો છો. તમને આ મશીનો દિલ્હી, હૈદરાબાદ, આગ્રા અને અમદાવાદ સહિત ઘણા શહેરોમાં મળી જશે. કાચા માલના કપ બનાવવા માટે, કાગળની રીલની જરૂર પડશે જે લગભગ રૂ. 90 પ્રતિ કિલો મળશે. આ સાથે, બોટમ રીલની જરૂર પડશે, જે લગભગ રૂ. 80 પ્રતિ કિલોના ભાવે મળશે.
આ વ્યવસાયમાં કેટલી કમાણી થશે
જો તમે વર્ષમાં 300 દિવસ કામ કરો છો, તો આટલા દિવસોમાં પેપર કપના 2.20 કરોડ યુનિટનું ઉત્પાદન થઈ શકે છે. તે બજારમાં લગભગ 30 પૈસા પ્રતિ કપ અથવા ગ્લાસમાં વેચી શકાય છે. આ રીતે તે તમને સારી કમાણી થશે