માતાપિતાને તેમના બાળકોના ભવિષ્ય અને શિક્ષણની ચિંતા હોય છે. ભવિષ્યમાં નાણાકીય સમસ્યાઓ ટાળવા માટે, માતાપિતા તેમના બાળકો માટે કેટકેલીય યોજનાઓની જાણકારી મેળવતા હોય છે. બાળકોને શિક્ષણ ઉપરાંત, લગ્ન, આવાસ વગેરે જેવી બાબતોમાં આર્થિક રીતે મદદરૂપ થવા તેઓ રોકાણ કરતાં હોય છે. આજે અમે તમને તમારા બાળકોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરતી બે સરકારી યોજનાઓ વિશે જણાવવાના છીએ.
આપણે અહીં સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને બાળ વીમા યોજના વિશે વાત કરવાના છીએ. આ યોજનાઓમાં રોકાણ સંબંધિત માહિતી આપવામાં આવી રહી છે. તમે તેની વિશેષતાઓ અને યોજનાઓના લાભોના આધારે તેને પસંદ કરી શકો છો. ચાલો આ યોજનાઓ વિશે વિગતવાર જાણીએ.
1.સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના એક સરકારી યોજના છે. જેમાં બાળકીના માતા-પિતા અથવા કાનૂની વાલી જ્યાં સુધી બાળકી 10 વર્ષની ન થાય ત્યાં સુધી ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં બજારનું જોખમ નહિવત છે. તેના ફાયદા વિશે વાત કરીએ તો, તે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર ઓફર કરવામાં આવતા દર કરતાં વધુ આકર્ષક વ્યાજ દર ઓફર કરે છે. SSY ની પાકતી મુદત 21 વર્ષ છે અને થાપણો 15 વર્ષ માટે કરવાની છે. છોકરીની ઉંમર 18 વર્ષની થાય પછી શિક્ષણના હેતુ માટે પૈસા ઉપાડી શકાય છે.
કર લાભ
તેની પાકતી મુદત 21 વર્ષની છે, SSY ખાતું મુદત અગાઉ પણ બંધ કરી શકાય છે અને જ્યારે લાભાર્થી બાળકી 18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી લગ્ન કરે છે ત્યારે સમગ્ર બેલેન્સ ઉપાડી શકાય છે. SSY ખાતાઓમાં રોકાણને કલમ 80C હેઠળ કર લાભો મળે છે, તેથી વ્યાજ અને પાકતી મુદતની રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે.
કોણ ખાતું ખોલાવી શકે
SSY એકાઉન્ટ ફક્ત છોકરીઓ માટે જ ખોલવામાં આવે છે. આમાં વ્યાજ દર ત્રિમાસિક ધોરણે સંશોધિત કરવામાં આવે છે. રેટ કટના કિસ્સામાં પાકતી મુદતની રકમમાં ઘટાડો થઈ શકે છે.
2. બાળ વીમા યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજનાની જેમ, બાળ વીમા યોજનાઓનો હેતુ પણ બાળકોની ઉચ્ચ અભ્યાસ, લગ્ન વગેરે માટેની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે વાપરી શકાય છે. તેના લાભોની વાત કરીએ તો, બાળ વીમા યોજનાઓ સામાન્ય રીતે પ્રીમિયમ વેવર બેનિફિટ (PWB) ના વિકલ્પ સાથે આવે છે, જે ખાતરી કરે છે કે કમાતા માતાપિતાના દૂર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં પ્રિમિયમ ચૂકવ્યા વિના પોલિસી ચાલુ રહેશે. વીમા યોજના છોકરીઓ અને છોકરાઓ બંને માટે લઈ શકાય છે.
કર લાભ
માતાપિતા પાસે પાકતી મુદત પસંદ કરવાનો વિકલ્પ હોય છે અને કેટલાક કિસ્સાઓમાં મની બેક મોડ પણ આપવામાં આવે છે. બાળ વીમા યોજનાઓમાં રોકાણ પર પણ કલમ 80C હેઠળ કર લાભો મળે છે અને પાકતી મુદત પર પાછા મળતાં પૈસા પણ કરમુક્ત છે. નીચા બોનસ દર સાથે, માતા-પિતાએ નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઊંચી સમ એશ્યોર્ડ (SA) પસંદ કરવાની જરૂર છે, જે ઉચ્ચ પ્રીમિયમ ચૂકવણી તરફ દોરી જાય છે.
કઈ યોજના કોના માટે સારી છે?
જો તમે બાળકીઓ માટે રોકાણ કરવા માંગતા હોવ તો SSY ખાતું જોખમ મુક્ત અને ઉચ્ચ વળતરનો વિકલ્પ છે. જો કે, માતા-પિતાના કમનસીબ અકાળ મૃત્યુના કિસ્સામાં SSY માં રોકાણ પાટા પરથી ઉતરી શકે છે, તેથી વીમા કવર લેવું પણ જરૂરી છે. મોંઘી બાળ વીમા યોજનાને બદલે, માતા-પિતા જીવનનો વીમો લેવા માટે પોસાય તેવા ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન પસંદ કરી શકે છે અને બાકીની રકમ મ્યુચ્યુઅલ ફંડ્સ (MFs) અથવા વધુ સારા વળતર માટે અન્ય રોકાણ વિકલ્પોમાં રોકાણ કરી શકે છે.