જમ્મુ કાશ્મીર પાસે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. 24મી જાન્યુઆરીથી ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અરબી સમુદ્ર પરથી હાલ ગુજરાત પર પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થશે કે ઠંડી વધશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે તે જોઈએ.
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે, આખા ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના હવામાનમાં લઘુત્તમ તાપમાનમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, '24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે. 27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને રાજ્યના કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, કારતક મહિનાની એકમથી લઈ 18 જાન્યુઆરી સુધીમાં કશ કાતરાનું પ્રમાણ નબળું રહ્યું છે. એટલે સંકેતો સારા નથી. અત્યાર સુધી કશ કાતરા થવા જોઈએ તેવા થયા નથી. બે વખત કશ કાતરા થયા હતા. તેમ છતાં ચોમાસું નબળું નથી થવાનું કારણ કે કશ કાતરા સિવાય પણ અનેક પરિબળ જોવાના હોય છે. ઝાકળ વર્ષા, હોળીનો પવન, અખાત્રીજનો પવન જોવાનો હોય છે. બીજા પરિબળો જોવાના બાકી છે