સાહસ વગર સિદ્ધી નહીં તે ઉક્તિ તો આપણે બધાયે સાંભળી જ હશે. જીવનમાં કઈ પણ પ્રાપ્ત કરવુ હોય તો સાહસ કરવુ જ પડે. આજે અમે જે ખેડૂત વિશે વાત કરી રહ્યા છીએ તેમણે થોડું જોખમ ઉઠાવીને બાગાયતી ખેતી બાદ મોટું સાહસ કહ્યું,, ટામેટાં ખેતી દ્વારા સારી કમાણી કરી અને હાલમા આ પરિવાર કરોડપતિ બની ગયો. વાત ત્યાં સુધી પહોંચી કે, ખુદ કૃષિ મંત્રી કમલ પટેલે ખેડૂતના ઘરે જઈને નવી પેટર્ન પર થતી ખેતીની સંપૂર્ણ માહિતી લીધી હતી અને અન્ય ખેડૂતોને પણ આવી જ રીતે ખેતી કરવા અપીલ કરી હતી.
આ અંગે વિગતે વાત કરીએ તો, મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના સિરકંબા ગામમાં મધુ ધાકડ પરિવાર ખેતી સાથે વર્ષોછી સંકળાયેલો છે. આ પરિવાર પાસે 130 એકર જમીન છે. મધુ ધાકડે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષથી ઘઉં, ચણા અને સોયાબીનનો પાક છોડીને આદુ, કેપ્સીકમ, લીલા મરચા અને ટામેટાના પાક પર કામ શરૂ કર્યું હતું.
ટામેટાની ખેતીએ ખેડૂતને બનાવ્યો કરોડપતિ
બાગાયતી પાકોમાં થોડું જોખમ લઈને તેણે 70 એકર જમીનમાં ટામેટાંની ખેતી કરી. ટામેટાના પાકે વ્યક્તિની જિંદગી બદલી નાખી. 70 એકરમાં ટામેટાના પાક પર લગભગ એક કરોડ 40 લાખ (એકર દીઠ 2 લાખ)નો ખર્ચ થયો હતો, પરંતુ જ્યારે પાક બજારમાં પહોંચ્યો ત્યારે તેની કિંમત કરોડોમાં થઈ ગઈ.આ ખેડૂતને તમામ ખર્ચ બાદ કર્યા બાદ પ્રતિ એકર આશરે 10 થી 11 લાખ રૂપિયાનો નફો મળ્યો આ રીતે તેણે 7 કરોડથી વધુની કમાણી માત્ર ટમેટામાંથી જ કરી. સફળ ખેડૂત મધુ ધાકડ સંયુક્ત પરિવાર તરીકે રહે છે. તેમની સફળતા બદલ તેમને અભિનંદન આપવા માટે મધ્યપ્રદેશ સરકારના કૃષિ પ્રધાન કમલ પટેલ તેમના ઘરે પહોંચ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
સાડા ત્રણસો મજૂરોને ખેતીમાં રોજગારી મળી
નોંધનિય છે કે, બાગાયતી પાક તરફ આકર્ષણ પછી તેમણે આખા ખેતરમાં ઘઉં, ચણા, સરસવ, સોયાબીન વગેરે પાકો વાવ્યા નથી. કૃષિ મંત્રી કમલ પટેલે અન્ય ખેડૂતોને પણ મધુ ધાકડની જેમ વધુ નફો કમાઈ શકે તે માટે પરંપરાગત ખેતીની સાથે નવા પ્રયોગો કરીને બાગાયતી પાકોની ખેતી કરવા અપીલ કરી છે. આ અંગે મધુ ધાકડે વધુમાં કહ્યું કે, તેમના ખેતરમાં 350 મજૂરો હંમેશા કામ કરે છે. જેથી ગામના 350 લોકોને કાયમી રોજગારી પણ મળી રહી છે. તેમણે આગળ કહ્યું કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન પાકને નુકસાન સહન કરવું પડ્યું હતું, પરંતુ ટામેટાના પાકના નફાએ તમામ નુકસાનની ભરપાઈ કરી દીધી. તેમની આ સફળતા જોઈને ઘણા ખેડૂતો હવે નવા પાકોની ખેતી તરફ વળ્યા છે.