સમગ્ર દેશમાં ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે. આવી સ્થિતિમાં લોકોને શાળા, ઓફિસ અને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. પરંતુ ટૂંક સમયમાં લોકોને ગરમીથી રાહત મળવાની છે. સમગ્ર દેશમાં વરસાદની અપેક્ષા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) આ વિશે પહેલાથી જ આગાહી કરી ચૂક્યું છે. ગુરુવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહીમાં, IMDએ કહ્યું કે આ વર્ષે ચોમાસું 'સામાન્ય' રહેશે.
વરસાદની 99% શક્યતા
હવામાન વિભાગનું કહેવું છે કે, 'આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ વરસાદ હવે 868.6 મીમી ગણાશે જે અગાઉ 880.6 મીમી હતો. પરંતુ આ વખતે નવી સરેરાશની સરખામણીએ 99 ટકા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દેશભરમાં 96-104 ટકા વરસાદની સંભાવના છે.
IMD આગાહી
હવામાન વિભાગ દર વર્ષે આગાહી કરે છે. વાર્ષિક લેવલ 2 પર ચોમાસાના વરસાદની આગાહી પર અનુમાન કરવામાં આવે છે. પ્રથમ આગાહી એપ્રિલમાં અને બીજી જૂન મહિનામાં થાય છે. પ્રથમ તબક્કામાં, સમગ્ર દેશમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ (જૂન-સપ્ટેમ્બર) દરમિયાન વરસાદની આગાહી રજૂ કરવામાં આવે છે.
ચોમાસું 'સામાન્ય' રહેશે
આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. IMDના રિપોર્ટ અનુસાર આ વર્ષે 99 ટકા વરસાદની અપેક્ષા છે. મે મહિનામાં પ્રદેશવાર વરસાદની માહિતી આપવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં જ મહત્તમ વરસાદ થઈ શકે છે. આ સમાચાર ખેડૂતો માટે સારા માનવામાં આવે છે, કારણ કે શરૂઆતના મહિનામાં પાકની વાવણી માટે સારો વરસાદ થશે.
અંબાલાલ પટેલે પણ જણાવી આગાહી: અંબાલાલ પટેલની આગાહી મુજબ ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સમો સૂતરો રહેશે તેવી આશા વ્યક્ત કરી છે. એપ્રિલથી હવામાનમાં પલટો આવશે, જે પલટો 17 મે 2022 સુધી ચાલશે. દેશમાં પ્રિ-મોનસૂન પ્રક્રિયા વહેલી શરૂ થશે અને ચોમાસુ વહેલુ બેસશે, તેમજ આ વખતે 25મે થી 8 જૂન 2022 વચ્ચે વરસાદ સારો પડશે.
ખાનગી સંસ્થા skymete જણાવી આગાહી: skymet એજન્સીની આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં 98 ટકા વરસાદ પડવાની આગાહી. સ્કાયમેટના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં લાંબાગાળાની સરેરાશ પ્રમાણે 107 ટકા વરસાદ થવાની સંભવાના છે. જ્યારે જુલાઈમાં 100 ટકા, ઑગસ્ટમાં 95 ટકા અને સપ્ટેમ્બરમાં લાંબાગાળાની સરેરાશ પ્રમાણે 90 ટકા વરસાદ થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે. ભારત દેશમાં છેલ્લાં બે ચોમાસાં સારાં રહ્યાં છે અને ત્રીજું ચોમાસું સારું રહેવાનું અનુમાન સ્કાયમેટ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, એકંદરે ગુજરાતમાં વરસાદની ઘટ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
જૂન મહિનામાં 107 ટકા વરસાદ પડવાની આગાહી છે એટલે વાવણી સારી થશે. વરસાદની શરૂઆત જૂન મહિનાથી થતી હોય છે. જે પહેલો મહિનો વાવણી માટે ખાસ ગણવામાં આવે છે.