વર્તમાન સમયમાં મોંઘવારીએ માજા મુકી છે તેથી દરેક માતા પિતાને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા હોય છે. ખાસ કરીને બાળકોના શિક્ષણ અને લગ્નના ખર્ચાને પહોંચી વળવા માતા પિતા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે. એવામાં જો તમે ઈચ્છો છો કે તમારી દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે, તેની કારકિર્દી વધુ સારી બનાવવા ઈચ્છતા હોય અને તેના લગ્ન ધામધૂમથી કરાવવા માગતા હોય, તો સુકન્યા સમૃદ્ધિ યોજના તમારા માટે રોકાણનો સારો વિકલ્પ છે. આ યોજનામાં રોકાણ કરીને, તમે દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો અને તેના શિક્ષણ અને લગ્ન પર થતા ભારે ખર્ચમાંથી મુક્ત થઈ શકો છો.
આ યોજનામાં મળે છે 7.6 ટકા વ્યાજ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 31 માર્ચ, 2022 સુધી 7.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે ખાતું ખોલાવી શકાય છે. તે કેન્દ્ર સરકારની નાની બચત યોજનાઓમાંની એક છે. તે બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી. નાની બચત યોજનાઓમાં સુકન્યા સમૃદ્ધિ શ્રેષ્ઠ વ્યાજ દર યોજના છે.
ખાતું ખોલાવવા માટેની પ્રોસેસ છે સરળ
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, સરકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછી 250 રૂપિયાની ડિપોઝિટ સાથે 10 વર્ષની ઉંમર પહેલા બાળકીનું ખાતું ખોલાવી શકાય છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાની બે દીકરીઓ માટે ખાતું ખોલાવી શકે છે. 21 વર્ષની ઉંમરે દીકરીઓ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. આ યોજનામાં વર્તમાન 7.6 ટકાના દરે રકમ 9 વર્ષ 4 મહિનામાં બમણી થશે.
રોકાણ કરવાની કેટલી છે મર્યાદા
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, તમે વાર્ષિક મહત્તમ રૂ. 1.5 લાખ સુધી જમા કરાવી શકો છો. એટલે કે આ સ્કીમમાં દર મહિને 12,500 રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તેનાથી ઓછું તમે ગમે તેટલું રોકાણ કરી શકો છો, કાં તો એકસાથે અથવા દર મહિને અથવા જ્યારે પણ તમે ઇચ્છો, પરંતુ રોકાણની કુલ વાર્ષિક રકમ રૂ. 1.5 લાખથી વધુ ન હોવી જોઇએ.
મેચ્યોરિટી પર મળશે 65 લાખ રૂપિયા
જો તમે તમારી પુત્રીના જન્મના એક વર્ષની અંદર આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમને પરિપક્વતા પર મોટી રકમ મળી શકે છે. જો તમે વાર્ષિક રૂ. 1.5 લાખ અથવા રૂ. 12,500 પ્રતિ મહિને અથવા રૂ. 416 પ્રતિ દિવસની મહત્તમ મર્યાદાનું રોકાણ કરો છો, તો તમને પાકતી તારીખે તમારી પુત્રી માટે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના 7.6 ટકાના દરે રૂ. 65 લાખ સુધી મળશે.
કેટલો સમય એકાઉન્ટ ચાલુ રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલ્યા પછી, દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી અથવા 18 વર્ષની ઉંમર પછી તેના લગ્ન ન થાય ત્યાં સુધી તેને ચાલુ રાખી શકાય છે.