ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આગામી જૂન માસથી 2025થી નાણાકીય બાબતો અને પુરાવામાં સુધારા સહિતના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે.
ફ્રીમાં આધાર અપડેટ કરાવવાની અંતિમ તારીખ
આધાર કાર્ડમાં મફત અપડેટ કરવા માટે છેલ્લી તારીખ 14 જૂન, 2025 છે. ત્યારબાદ ઓનલાઇન અપડેટ માટે ₹25 અને કેન્દ્ર પર ₹50 ચાર્જ લગાવવામાં આવશે. તેથી, તમારી ઓળખ અને સરનામાનો પુરાવો તાત્કાલિક અપડેટ કરાવો.
LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર (LPG Cylinder Price)
દર મહિનાની પ્રથમ તારીખે ઓઈલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. 1 જૂન, 2025ના રોજ પણ નવા દરો જાહેર થવાની સંભાવના છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડર પર ₹24નો ઘટાડો કરવામાં આવ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડમાં નવો કટ-ઓફ સમય
SEBIએ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે નવો કટ-ઓફ સમય જાહેર કર્યો છે. 1 જૂનથી ઓફલાઇન ટ્રાન્ઝેક્શન માટે સમય બપોરે 3 વાગ્યાનો રહેશે, જ્યારે ઓનલાઇન માટે સાંજે 7 વાગ્યાનો રહેશે. આ સમય પછી આપેલા ઓર્ડરો આગામી કાર્યદિવસથી માન્ય રહેશે.
ATF, CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર શક્ય
દર મહિને CNG અને PNG સાથે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે, તેમ 1 જૂનના રોજ તેમાં પણ બદલાવ થવાની શક્યતા છે. ATFના ભાવમાં વધારો હવાઈ મુસાફરી ખર્ચાળ બનાવી શકે છે, જ્યારે CNGના ભાવમાં ફેરફારનો સીધો અસર વાહનચાલકો પર પડશે.
EPFO 3.0
EPFO (Employees' Provident Fund Organisation) આજે પોતાનું નવું વર્ઝન EPFO 3.0 લોન્ચ કરી રહ્યું છે. આ સાથે જ PF ઉપાડની પ્રક્રિયા ઝડપી થશે, KYC અપડેટ સરળતાથી થશે અને ક્લેમ ફાઈલ કરવાની પ્રક્રિયા પણ વધુ સુવ્યવસ્થિત બનશે. ખાસ કરીને, EPF કાર્ડનો ઉપયોગ હવે ATM કાર્ડની જેમ પણ કરી શકાય તેવી શક્યતા છે.
ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ અને ચાર્જમાં ફેરફાર
કોટક મહિન્દ્રા બેંક સહિત કેટલીક બેંકો 1 જૂનથી પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી થઈ શકે છે. ઓટો-ડેબિટ નિષ્ફળતાને લઈને દંડ ઘટાડી શકાય છે. ઈંધણ અને યુટિલિટી બિલ પેમેન્ટ પર વધારાના ચાર્જ વસૂલવા શરૂ થઈ શકે છે.
UPI ટ્રાન્ઝેક્શન
NPCIએ નવો નિયમ લાગુ કર્યો છે કે હવે UPI પેમેન્ટ વખતે યુઝર્સને માત્ર વાસ્તવિક યૂઝર્સ (Ultimate Beneficiary) નું બેંક નામ જ દેખાશે. QR કોડ અથવા ફેરફાર કરેલા નામ હવે નહીં બતાવાશે. આ નિયમ 30 જૂન સુધીમાં તમામ UPI એપ્સમાં લાગુ કરવામાં આવશે.
જૂનમાં 12 દિવસ બંધ રહેશે બેંકો
જૂન મહિનામાં વિવિધ તહેવારો અને સાપ્તાહિક રજાઓને લીધે બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં, મહત્વપૂર્ણ બેંકિંગ કામ માટે RBIની રજાઓની યાદી ચકાસીને યોજના બનાવવી યોગ્ય રહેશે. જો કે, ઓનલાઈન બેંકિંગ અને ATM સેવાઓ સતત ઉપલબ્ધ રહેશે.
ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ
ATMમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂર્ણ થયા પછી લેવાતા ચાર્જમાં 1 જૂનથી વધારો થઈ શકે છે. જે લોકો વારંવાર રોકડ ઉપાડે છે તેમના ખિસ્સા પર આ ફેરફારની અસર અનુભવાશે.
FD વ્યાજ દરમાં ફેરફાર
જૂન મહિનામાં બેંકો દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને લોનના વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા છે. રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાના સંકેતને પગલે FD ના વ્યાજ દર ઘટી શકે છે.
ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ પેમેન્ટ
કેટલીક બેંકોએ સંકેત આપ્યો છે કે જૂનથી ક્રેડિટ કાર્ડ દ્વારા વીજળી, પાણી જેવા યુટિલિટી બિલ ચૂકવતી વખતે વધારાનો ચાર્જ લગાવી શકાય છે અથવા કેશબેકની શરતોમાં ફેરફાર થઈ શકે છે.