વર્ષોથી ભારતમાં પોતાના ઉદ્યોગ ધંધાથી જાણીતું બનેલું ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ ઉદારતાનો એક ઉત્તમ નમૂનો બધાની સમક્ષ પેશ કર્યો છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોસિયલ સાયન્સ સંસ્થા દ્વારા મુંબઈ, હૈદરાબાદ, તુલજાપુર અને ગુવાહાટીમાંના 115 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી હતી. જેમાં 55 જેટલા ફેકલ્ટી મેમ્બર્સ અને 60 જેટલા લોકો નોન ટીચિંગ સ્ટાફમાં હતા. 28 જૂનના રોજ આ સ્ટાફને નોટિસ આપવામાં આવી કે 30 જૂન બાદ તેમનો કોન્ટ્રેક્ટ પૂરો કરી દેવામાં આવશે. પરંતુ રતન ટાટાના નેજા હેઠળ કામ કરતા ટાટા એજ્યુકેશન ટ્રસ્ટે ઇન્સ્ટિટ્યૂટને ગ્રાન્ટ વધારી આપવાની ખાતરી આપી છે. આ ખાતરી મળતા સંસ્થાએ કર્મચારીઓને છુટ્ટા કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. રતન ટાટાએ પોતાના કર્મચારીઓ પ્રત્યે આવી દરિયાદિલી બતાવી હોય એવો આ પહેલો દાખલો નથી.
કોરોના કાળ દરમિયાન જ્યારે નામચીન કંપનીઓ મોટાપાયે કર્મચારીઓની છટણી કરતી હતી ત્યારે રતન ટાટાએ તેઓ બરાબર વિરોધ કર્યો હતો. ત્યારે રતન ટાટાએ કહ્યું હતું કે,'કોરોના જેવા સંકટના સમયમાં કર્મચારીઓ પ્રત્યે કંપનીની જવાબદારી બને છે કે તેઓની નોકરી ચાલુ રહે. જે લોકોએ તમારા માટે કામ કર્યું, એ લોકોને જ તમે છોડી દીધા ! મહેનતુ અને લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક કામ કરનાર કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવી આપણી ફરજ છે. મહામારીના સમયમાં તમે તમારા કર્મચારીઓ સાથે આવું વર્તન કરો છો, આ જ તમારી નૈતિકતા છે ?' કોરોના વખતે ટીસીએસ દ્વારા પહેલા જ ઘોષણા કરી દેવામાં આવી હતી કે કોઈપણ કર્મચારીની છટણી કરવામાં નહીં આવે.
દેશના સૌથી વધુ લોકપ્રિય ઉદ્યોગપતિ રતન ટાટાની આવી નૈતિક બાબતોને ધ્યાનમાં રાખીને જ તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાજવાની માંગણી થઈ રહી છે. અહીં નોંધપાત્ર છે કે તેમના દાદા જમશેદજી ટાટાને ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા અને 2008માં રતન ટાટાને પણ પદ્મવિભૂષણ એનાયત થયો હતો.