Top Stories
khissu

આ દેશ પાસે છે સૌથી વધારે સોનાનો ભંડાર, ભારત કરતાં તો 10 ગણો, જાણો મોદી સરકાર કેટલું સોનુ રાખીને બેઠી છે??

Gold Reserve: ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. વિશ્વમાં સોનાનો સૌથી વધુ વપરાશ ચીનમાં થાય છે અને ત્યારબાદ ભારતનો નંબર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સોનાનો ભંડાર છે? જવાબ છે અમેરિકા. વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અને સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની તિજોરીમાં 8,133 ટન સોનું છે. આ મામલે દુનિયાનો કોઈ દેશ અમેરિકાની નજીક પણ નથી. આ યાદીમાં બીજા ક્રમે જર્મની છે જેની સેન્ટ્રલ બેંકની તિજોરી 3,355 ટન સોનાથી ભરેલી છે. સોનાના ભંડારની બાબતમાં ભારત ટોચના 10 દેશોમાં સામેલ છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ઈટાલી ત્રીજા સ્થાને છે. આ યુરોપિયન દેશ પાસે 2,452 ટન સોનાનો ભંડાર છે. ફ્રાંસ પાસે 2,437 ટન સોનું છે અને તે આ યાદીમાં પાંચમા સ્થાને છે. પછીનો નંબર રશિયાનો છે. રશિયા પાસે 2,330 ટન સોનું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલા પહેલા રશિયાએ અન્ય દેશો પાસે પડેલા તેના સોનાના ભંડારને પરત મોકલ્યો હતો. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ ચીન આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેની પાસે 2,113 ટન સોનાનો ભંડાર છે. યુરોપના નાના દેશ સ્વિટ્ઝર્લેન્ડ પાસે 1,040 ટન સોનું છે. આ યાદીમાં આગળનું નામ જાપાનનું છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ જાપાન પાસે 846 ટન સોનાનો ભંડાર છે.

ભારત પાસે કેટલું સોનું છે

આ યાદીમાં ભારત નવમા નંબરે છે. ભારત પાસે 797 ટન સોનાનો ભંડાર છે. પરંતુ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ભારતમાં સામાન્ય લોકો પાસે લગભગ 25,000 ટન સોનું છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. વિશ્વના લગભગ નવથી દસ ટકા સોનું ભારતીયો પાસે છે.

ડબ્લ્યુજીસી ઇન્ડિયાના એમડી સોમસુંદરમ પીઆર કહે છે કે બે વર્ષ પહેલાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, ભારતમાં લગભગ 21,000-23,000 ટન સોનું હતું. હવે તે 24,000-25,000 ટન સુધી પહોંચવાનો અંદાજ છે.

સોનાના ભંડારની બાબતમાં ભારત પછી નેધરલેન્ડ (612 ટન), તુર્કી (440 ટન), તાઇવાન (424 ટન), પોર્ટુગલ (383 ટન), ઉઝબેકિસ્તાન (377 ટન), સાઉદી અરેબિયા (323 ટન) અને કઝાકિસ્તાન (314) ક્રમે આવે છે. માહિતી અનુસાર, આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પાસે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં 64.66 ટન સોનું હતું. એટલે કે ભારત પાસે પાકિસ્તાન કરતાં 12 ગણું વધુ સોનું છે. એ જ રીતે વેનેઝુએલામાં 161 ટન સોનાનો ભંડાર છે.