રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદના કમઠાણ સર્જાયા છે. ભર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ હવે માવઠાના મંડાણ થતાં ફરીએકવાર હવામાનમાં પલટો આવશે.
હવામાન વિભાગ શું આગાહી કરી ?
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભરે શિયાળે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ''હવામાનમાં મોટા ફેરફાર થશે અને તારીખ 2, 3, 4 ફ્રેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, પંચમહાલ, લીમખેડા, મહેસાણા સહિત વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, " 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે' વધુમાં કહ્યું કે, આગામી 3થી 5 ફેબ્રુઆરી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે, ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનને કારણે માવઠાની શક્યતા છે.
માવઠાની સૌથી વધુ તિવ્રતા સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં દેખાશે સાથો સાથ વાવ-થરાદ, બનાસકાંઠા અને મહેસાણાને કમોસમી વરસાદ પ્રભાવિત કરશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 5 ફેબ્રુઆરીએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો આગામી 3 અને 4 ફેબ્રુઆરીએ અમદાવાદ-ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે