હવામાન વિભાગની મોટી આગાહી, આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી, મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ જાણો કેમ ?

હવામાન વિભાગની મોટી આગાહી, આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી, મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ જાણો કેમ ?

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. નોંધનીય છે કે, ગઇકાલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ વરસાદની સંભાવના નહીંવત છે. અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

આજે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક સ્થળે વરસાદની આગાહી કરાઇ છે. આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે. આ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની સંભાવના છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે અને ભેજ પણ છે. 18થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણાં જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. એક લો પ્રેશર બનવાનું છે અને તે બન્યા પછી જ પાક્કો અંદાજ આવશે કે રાજ્યમાં તેના કારણે કેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીનો ઓફશોર ટ્રોફ હોય છે તે પણ 18 તારીખથી પોઝિટિવ ફેઝમાં જોવા મળી શકે છે.

પંચાગ અનુસાર, મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ 17 ઓગસ્ટ, 2023 ના રોજ બપોરે 1.33 કલાકથી 31 ઓગસ્ટ, 2023 ના સવારે 9.33 સુધી રહેશે. આ 14 દિવસનો સમયગાળામાં જેટળો પણ વરસાદ પડે તે બહુ જ સારો કહેવાય છે. વર્ષા ઋતુમાં સૂર્યનું માઘ નક્ષત્રનું ભ્રમણ બહુ જ સારું ગણાય છે. એટલા માટે જ કહેવાય છે કે, મઘા કે બરસે, માતુ કે પરસે. એટલે કે, ધરતી મા જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય. તેથી આ નક્ષત્રમાં વરસેલો વરસાદ ગંગાજળ સમાન ગણાય છે. જેનો ઉપયોગ જો તમે રોજિંદા ઉપયોગમાં લો તો શરીર માટે ફળદાયી સાબિત થશે.

એવુ કહેવાય છે કે, મઘા નક્ષત્રમાં પડેલો વરસાદ સોનાના તોલે ગણવામા આવે છે. આ પાણી અમૃત સમાન ગણાય છે. તો કેટલાક તેને જડીબુટ્ટી સમાન સોમરસ ગણે છે. કારણ કે, આ પાણીને વાસણમાં ભરી રાખો તો પણ તેમાં કીડા પડતા નથી. આખા વર્ષમાં તમને કોઈ દર્દ હોય તો આ પાણી પીવાથી દર્દ મટી જાય છે. તેમજ મઘા નક્ષત્રનું પાણી બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં થયેલા કરમીયા પણ મરી જાય છે.