khissu

ભયાનક ‘તેજ’ વાવાઝોડાએ રૂટ બદલતા કરોડો ગુજરાતીઓ પર સંકટ ઘેરાયું, માછીમારો અને સિગ્નલો હાઈ એલર્ટ પર

Cyclone Tej: હવામાન વિભાગે હાલમાં માછીમારોને 25 ઓક્ટોબર સુધી દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. તેવી જ રીતે પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બધું એટલે કરવું પડી રહ્યું છે કે તેજ વાવાઝોડાએ ગુજરાતીઓનું ટેન્શન વધારી દીધું છે.

હવામાન વિભાગે કહ્યું કે આગામી 12 કલાકમાં ખૂબ જ ભયાનક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. ત્યાર બાદ તેના દિશા બદલવાની અને 24 ઓક્ટોબરની સવાર સુધી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, ત્યારબાદ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું 25 ઓક્ટોબરની સવારે અલ ગૈદાહ, યમન અને સલાલાહ, ઓમાન વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. જેના પગલે રાજ્યના દરિયકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયા છે. આગામી 24 કલાક દરમિયાન ચક્રાવાતી તોફાન 'તેજ' ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે તેને VSCS એટલે કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન તરીકે વર્ણવ્યું છે. હવામાન વિભાગે અગાઉ જ કહ્યું હતું કે ચક્રવાતી તોફાન તેજ 21 ઓક્ટોબરે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સોકોત્રા (યમન)થી 330 કિમી પૂર્વમાં, સલાલાહ (ઓમાન)થી 690 કિમી દક્ષિણપૂર્વમાં અને અલ ગૈદાહ (યમન)ના 720 કિમી દૂર પર કેન્દ્રીત હતું. હવે આ તોફાન 22 ઓક્ટોબરે બપોર પછી ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને તેની ગતિમાં વધારો થાય તેવી શક્યતા છે.

ગઈકાલ 21 ઓક્ટોબરે સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં "તેજ" સોકોત્રા યમનથી લગભગ 440 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, સલાલાહ, ઓમાનથી 800 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને અલ ગૈદાહ, યમનથી 830 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતું. તોફાન 'તેજ' દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રની ઉપર સતત આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 કલાકમાં તોફાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધ્યું છે.