ગુજરાત રાજ્ય પર તાજેતરમાં આવેલા આવેલા તાઉ - તે વાવાઝોડાં નાં કારણે ખેતીમાં ખૂબ જ નુકસાન થયું હતું. જેમાં બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા નુકસાન થયું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રૂપિયા 500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
ગઈ કાલે કોર કમિટી ની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, કૃષિ મંત્રી આર સી ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં આ અંગેનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે તાઉ - તે વાવાઝોડાં નાં કારણે સૌથી વધુ અસર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ આ પાંચ જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં થઈ છે. રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેકટર વિસ્તારમાં કૃષિ અને બાગાયત પાકોને વધુ નુકસાન થયું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે 17મી મેની રાત્રિએ ઊનાના દરિયાકાંઠે થી ગુજરાતમાં પ્રવેશેલું આ વાવાઝોડુ 220 પ્રતિ કલાકની ઝડપે ગુજરાતને ચીરીને 18મી મે એ રાજસ્થાન તરફ ગયું હતું. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આંબા, નાળિયેરી, લીંબુ, ચીકુ જેવા વૃક્ષો પડી જવાને કારણે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે હેકટર દીઠ મહત્તમ રૂપિયા 1 લાખની સહાય, વધુમાં વધુ બે હેકટર ની મર્યાદામાં સહાય આપવાનો નિણર્ય કર્યો છે.
વિજયભાઈ રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે બાગાયતી પાકોની ખેતીમાં ખર્ચ ખૂબ ઉંચો આવતો હોય છે અને વાવાઝોડાં નાં કારણે ખેડૂતોને ઘણું નુકસાન સહન કરવું પડતું હોય છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે બહુવર્શિય પાકો જેમ કે લીંબુ, નાળિયેર, જામફળ, આંબા વગેરે પાકોમાં ઝાડ ઊભા છે પરંતુ પાક ખરી ગયા છે અને 33% થી વધુ નુકસાન થયું છે. જેના માટે રાજ્ય સરકાર 30 હજાર પ્રતિ હેકટર દીઠ સહાય વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં આપવામાં આવશે. વધુમાં તેને જણાવ્યું હતું કે ઉનાળુ પાકો જેવા કે તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી વગેરે પાકોમાં 33 ટકા કરતાં વધારે નુકસાન થયું છે. જેથી આવા કિસ્સામાં હેકટર દીઠ રૂ. 20,000 ની સહાય વધુમાં વધુ બે હેકટર ની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે. વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વાવાઝોડાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાય એક અઠવાડિયા માં તેમના બેંક એકાઉન્ટ માં ડેબિટ દ્વારા જમા કરવામાં આવશે. તેમજ નુકસાની નો સર્વે પણ આજ પૂર્ણ કરી દેવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તાઉ - તે વાવાઝોડાં થી પ્રભાવિત રાજ્યના ધરતીપુત્રોને આ રાહત પેકેજથી તેમને મળનારી સહાય દ્વારા ઝડપભેર બેઠા થઈ જશે. કોર કમિટીના બેઠકમાં અગ્ર સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી અશ્વિની કુમાર અને કૃષિ સચિવ મનીષ ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વાવાઝોડા નાં કારણે નુકસાન પામેલા અથવા નાશ થયેલા મકાનોને પણ સહાય આપવામાં આવશે. તાઉ’તે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝૂપડાંઓ વગેરેને થયેલા નુકસાનની સહાય માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તાઉ’તે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા મકાનો વગેરેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.