સામાન્ય રીતે ફૂલો જ્યાં સુધી તાજા હોય ત્યાં સુધી જ લોકો તેને ઉપયોગી સમજતા હોય છે. જેવા તે મુર્જાય એટલે લોકો તેને નકામા ગણી ફેંકી દેતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી યુવતીની વાત જણાવવાના છીએ જેણે આ નકામા ફૂલોનો બિઝનેસ શરૂ કર્યો. આ બિઝનેસમાંથી તે દર મહિને 1.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહી છે. તો ચાલો જાણીએ કે કોણ છે આ યુવતી અને કેવી રીતે તેણે આ ફૂલોમાંથી કમાણી કરી
ગુજરાતના સુરત શહેરની રહેવાસી છે આ યુવતી. તેનું નામ મૈત્રી જરીવાલા છે. મૈત્રીની ઉંમર 22 વર્ષની છે અને તેણે કેમિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. મૈત્રીએ પોતાનો સારો બિઝનેસ શરૂ કરીને ઘણા લોકોને નોકરી પણ અપાવી છે. મૈત્રી કહે છે કે, મે લગભગ 3 વર્ષ સુધી અલગ-અલગ સંસ્થાઓના વેસ્ટ પર કામ કર્યું છે, જેના કારણે મને વેસ્ટ પ્રોડક્ટની સારી સમજ મળી છે.
મૈત્રી દરરોજ સવારે અલગ-અલગ મંદિરોમાં જઈને ફેકી દેવામાં આવેલા નકામા ફૂલો એકઠા કરે છે. તેણી આ ફૂલો એકઠા કરવાનું કામ ગયા વર્ષથી કરી રહી છે. તે આ બધાં ફૂલો એકઠા કરીને પોતાનો સારો બિઝનેસ ચલાવી રહી છે. જી હાં મિત્રો, આ ફૂલો દ્વારા મૈત્રી સાબુ, અગરબત્તી, મીણબત્તી, સ્પ્રે, ઠંડાઈ, વર્મી કમ્પોસ્ટ સહિત 10 થી વધુ જાતોના પ્રોડક્ટોનું ઉત્પાદન કરીને બજારમાં સારો નફો કમાઈ રહી છે. મૈત્રી તેના ફૂલના વ્યવસાયમાંથી દર મહિને 1.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહી છે અને તેની સાથે તેણે ઓછામાં ઓછા 9 લોકોને તેની ત્યાં નોકરીમાં પણ રાખ્યા છે.
77 હજારના ખર્ચે ધંધો શરૂ કર્યો
મૈત્રીના કહેવા અનુસાર, નકામા ફૂલો આપણી આસપાસ સરળતાથી મળી જાય છે. જેની મદદથી તમે સારો બિઝનેસ શરૂ કરી શકો છો. અભ્યાસ પૂરો કર્યા પછી જ્યારે મેં આ ધંધો શરૂ કર્યો ત્યારે ઘણા લોકોએ મને ઘણું પૂછ્યું - મારા પોતાના પરિવારના સભ્યોએ પણ મને કહ્યું કે એન્જિનિયર દીકરીએ કચરો ભેગો કરવાને બદલે કોઈ મોટી કંપનીમાં નોકરી કરવી જોઈએ. પરંતુ મેં તમામ બાબતોને અવગણીને મારો વ્યવસાય શરૂ કર્યો અને હવે જ્યારે હું દર મહિને લાખોની કમાણી કરું છું ત્યારે બધા મને સપોર્ટ કરી રહ્યા છે. મૈત્રી જણાવે છે કે મને કોલેજ તરફથી 77 હજાર રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતું, જે મેં મારા બિઝનેસમાં રોકાણ કર્યું હતું.
આ રીતે કરે છે ઉત્પાદન
મૈત્રી કહે છે કે અમે ફૂલોના પાંદડાને ભેગા કરીને સૂર્ય પ્રકાશમાં સૂકવવા માટે રાખીએ છીએ. આ પછી, ગ્રાઇન્ડરની મદદથી, તેમાંથી બારીક પાવડર તૈયાર કરીએ છીએ. ત્યારબાદ, આ પાવડરમાંથી વિવિધ પ્રકારના ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. છેલ્લે ઉત્પાદનનું લેબલીંગ અને પેકેજીંગ થાય છે. ઘણી વખત બજારની માંગ પ્રમાણે અમે ફૂલોને ઉકાળી, તેને ગાળીને તેમાંથી સારો સ્પ્રે તથા ઠંડાઈ જેવા ઉત્પાદનો પણ બનાવીએ છીએ. જેની બજારમાં સારી એવી કિંમત પણ મળે છે.
ક્યાં લઈ શકાય છે તાલીમ?
જો તમે પણ એન્જીનીયર મૈત્રી જેવો વેસ્ટ ફૂલોનો ઉપયોગ કરી પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો આ માટે તમારે તાલીમની જરૂર પડશે. તમે તમારી નજીકની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ (CIMAP) ખાતે આ તાલીમ લઈ શકો છો. જ્યાં 2 થી 5 દિવસનો કોર્સ છે અને લગભગ 4 હજાર રૂપિયા ફી લેવામાં આવે છે. આ સિવાય તમે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેસ્ટ મેનેજમેન્ટ, ભોપાલમાંથી પણ તેની ટ્રેનિંગ લઈ શકો છો. આ ઉપરાંત, તમે સોશિયલ મીડિયા અને યુટ્યુબની મદદથી તેની માહિતી અને તાલીમ પણ લઈ શકો છો.
વેસ્ટ ફ્લાવર બિઝનેસમાં ખર્ચ અને નફો
મૈત્રી કહે છે કે, કોઈપણ વ્યક્તિ 50 હજાર રૂપિયાના ખર્ચે આ બિઝનેસ શરૂ કરી શકે છે, પરંતુ જો તમે પ્રોફેશનલ લેવલ પર ફ્લાવર બિઝનેસ કરો છો, તો તમારે 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે, કારણ કે તેમાં ઉપયોગમાં લેવાતા મશીન બજારમાં મોંઘા મળે છે. મશીન ખરીદવા માટે સરકાર તરફથી પણ મદદ મળે છે, જેની મદદથી તમે સરળતાથી મશીન ખરીદી શકો છો.
આપણે સૌ જાણીએ જ છીએ કે સાબુ, શેમ્પૂ, સ્પ્રે, અગરબત્તી, ફૂલોના કચરામાંથી બનેલી મીણબત્તીઓ વગેરેની બજારમાં સારી કિંમત મળે છે. મૈત્રી અનુસાર, જો તમે તમારો બિઝનેસ સારી રીતે ચલાવો છો, તો તમે 50 થી 77 હજાર રૂપિયાના ખર્ચે વાર્ષિક 8 થી 10 લાખ રૂપિયા કમાઈ શકો છો.