ખેતીનો વ્યવસાય બધા વ્યવસાયો કરતાં ઉત્તમ છે જાણો છો કેમ, કારણ કે આ વ્યવસાય બારેમાસ ચાલનારો છે ઉપરાંત, તેમાં કમાણી પણ ખૂબ સારી થાય છે. એમાં પણ જો ઔષધિની ખેતી કરો તો તમે માલામાલ થાવ જ એ ગેરંટી સાથે કહી શકાય. હવે આ ખેતીમાં એલોવેરા જ લઇ લો જેની માંગ ઠેર-ઠેર જોવા મળે છે પછી એ દેશ હોય કે વિદેશ. સ્થાનિક જગ્યાએ એલોવેરાને 'કુવારપાઠું' નામથી પણ ઓળખાય છે, જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે. આ વનસ્પતિ ખૂબ ઉપયોગી હોવાથી બજારોમાં તેની માંગ સતત વધ્યા કરે છે. જો તમારે કરોડોની કમાણી કરવી હોય તો ઔષધિય વનસ્પતિ "એલોવેરા" ની ખેતી કરો.
ઔષધિય વનસ્પતિ "એલોવેરા"
ભારતમાં આ દિવસોમાં એલોવેરાની ખેતી ખૂબ જ લોકપ્રિય બની છે. ખેડૂતો પણ તેનું વધુ વાવેતર કરવાનું પસંદ કરે છે કારણ કે તેના પાંદડા મોટા હોય છે અને તેમાં ભરપૂર માત્રામાં જેલ હોય છે. તેમાંથી આયુર્વેદિક દવા, કોસ્મેટિક પ્રોડક્ટ, જ્યુસ, ફેસવોશ, ડ્રાય પાઉડર વગેરે જેવી અનેક વસ્તુઓ બને છે. તે જ કારણથી આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની સારી માંગ છે જેના થકી ખેડૂતો વિદેશી હુંડિયામણ પણ કમાઇ રહ્યા છે.
એલોવેરાની ખેતી
એલોવેરાની ખેતી કરવા કોઇ ખાસ ખર્ચ કરવાની જરૂર નથી. આ ખેતી પડતર જમીન અથવા રેતાળ જમીન પર કરી સારો નફો મેળવી શકાય છે. આ માટે ખેતરમાં વધારે ભેજ હોવો જરૂરી નથી. તે માટે કોઈ ખાસ સિંચાઈની જરૂર નથી, તેને એવા ખેતરોમાં ઉગાડી શકાય છે જ્યાં પાણી સ્થિર નથી. એલોવેરાની ખેતી દરમિયાન તેને જીવાતોથી બચાવવા તમે જંતુનાશક ખાતરનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા માટે જાળવણી ખર્ચ કરવો પડતો નથી કારણ કે કોઇ પ્રાણી તેને ખાતું નથી. આથી એલોવેરા ઓછા રોકાણમાં વધુ નફો આપનારી ખેતી છે.
વાવેતર માટેની જાણકારી
એલોવેરાનું વાવેતર ઓક્ટોબર-નવેમ્બરથી કરી શકાય છે. જો કે ખેડૂતો આખું વર્ષ વાવે તો પણ નુકસાન થતું નથી. એક છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર 2 ફૂટ હોવું જોઈએ. એકવાર વાવેતર કર્યા પછી, તે વર્ષમાં બે વાર લણણી કરી શકાય છે. વાવણી તથા લણણી કરો ત્યારે સમયે-સમયે ખેતરને સ્વચ્છ કરતાં રહેવુ જેથી વનસ્પતિ જીવાત રહિત થઇ ઉત્પાદનનું પ્રમાણ વધારે, અને તેને વેચીને નફો મેળવી શકાય છે.