ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં ‘બારે મેઘ ખાંગા’ થતાં મોટાભાગનું ગુજરાત ‘જળમગ્ન’ બની ગયું છે. ભારે વરસાદથી વડોદરા અને રાજકોટમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવેલી છે. છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઈ ગયો છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે.
ગુરૂવાર માટે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આ ઉપરાંતના ગુજરાત રિજનના (સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંતના) તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનના તમામ જિલ્લાઓ કવર છે જેમા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ગાજવીજની ચેતવણી છે. આ સાથે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાત રિજન માટે આજે પવનની ગતિ 55થી 65 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા
અમરેલી જિલ્લામાં 215 મીમી વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે 32 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 28થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે
મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 35 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ 210 મીમી વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આગામી 28 થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતા છે. છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 250 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 42 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામા 28થી 31 દરમિયાન હુંફાળું,ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.