ગુજરાતની ઉપર રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે. આ સાથે ગુજરાતમાં ઠંડી વધવાની પણ આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવા રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઈએ.
એ. કે. દાસે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર, એ. કે. દાસે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક ગુજરાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચું જવાની શક્યતા છે. જે બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની આગાહી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાનમાં ફેરફાર અંગે જણાવ્યું છે કે, "22મી તારીખથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે. 22થી શરૂ થયેલો આ રાઉન્ડ 28મી સુધી ચાલશે. 22મી તારીખ રાતથી ફરીથી પવનની દિશા બદલાવવાની છે. ત્યારે પવનની દિશા બદલાઈને પણ ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. જે બાદ ઠંડી ચાલુ થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે."