khissu

સપ્ટેમ્બર મહિનામાં તૈયાર રહેજો ગુજરાતીઓ, ઉપરાછાપરી વરસાદની સિસ્ટમ આવશે

બંગાળની ખાડીમાંથી ગુજરાત આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં તારાજી સર્જાઇ છે. આ સિસ્ટમ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ સિસ્ટમ ધીમે-ધીમે સરકી કચ્છ થઇ અરબ સાગરમાં થઇ પાકિસ્તાન જશે. આ સાથે જ અંબાલાલ પટેલે એક પછી એક આવનારી સિસ્ટમો વિશે આગાહી કરી છે. સાથે જ તેમના જણાવ્યા અનુસાર, અતિભારે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ નથી.

હજુ તો સપ્ટેમ્બર મહિનો બાકી છે. જે દરમિયાન ઉપરાછાપરી સિસ્ટમો સર્જાશે અને ભારે વરસાદ ખાબકશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 28 ઓગસ્ટે આસપાસ જે સિસ્ટમ બનશે, તેનો માર્ગ ઓરિસા, બિહાર અને ઉત્તરપૂર્વ તરફ રહેશે. જ્યારે બીજી સિસ્ટમ 30-31 આસપાસ બનશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે.

સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે કે, 1 અને 2 તારીખે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર બાદ સિસ્ટમ પર સિસ્ટમ બનશે અને 4 તથા 5 સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહેશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડશે. આવામાં હવે વરાપ ક્યારે નીકળશે તે ચિંતાનો વિષય છે. વિસ્તારો જળબંબાકર થતાં વરાપ થવામાં વાર લાગતી હોય છે.

તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં એક પછી એક સિસ્ટમ બનવાની છે. સપ્ટેમ્બરમાં વધુ વરસાદની સંભાવના પાછળનું કારણ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, લાલીનોની અસર હજુ થઇ નથી. આમ છતાં એટમોસફેરિક વેવ મજબૂત છે. જાપાનમાં બનતી સિસ્ટમો, ત્યાં નાના પ્રકારના સાયક્લોન બનતા હોય છે. દક્ષિણ ચીનમાં નાના પ્રકારના સાયક્લોન બનતા હોય છે, પ્રશાંત સાગરમાં આવી સ્થિતિ રહેશે, આ બધાના અવશેષોના કારણે હજુ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો પર સિસ્ટમો બનશે.

15 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થશે. ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. હવામાન ખાતા પ્રમાણે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થઇ શકે છે, પરંતુ હકીકતમાં આ ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લઇ શકે તેવી શક્યતાઓ છે. એટલે સપ્ટેમાં પણ ભારે વરસાદ માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે.