આપણા દેશમાં મોટા ભાગના સરકારી કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. પરંતુ કાયદાકીય માહિતી ન હોવાના કારણે ભ્રષ્ટાચાર સામે લડી શકતા નથી. ગામડાંઓમાં પંચાયત હોય કે શહેરની નગરપાલિકા તેમાં ઘણી જગ્યાએ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થતો હોય છે. જો તમે જાગૃત નાગરિક તરીકે તમારા વિસ્તારમાં લડવા માંગતા હોવ તો આ રહી પ્રાથમિક માહિતી.
આર. ટી. આઈ. શું છે?
વર્ષ 2005 માં ભારતની અંદર આ કાયદો બનાવવામાં આવ્યો હતો. કાયદાનું નામ માહિતી અધિકાર અધિનિયમ - 2005 છે. જેને ટુંકમાં R.T.I. (RIGHT TO INFORMATION) કહેવામાં આવે છે. કાયદાની જોગવાઇ મુજબ ભારતનો કોઈપણ વ્યક્તિ દેશની કોઈપણ કચેરીમાં R.T.I. કરીને સરકાર પાસેથી માહિતી માંગી શકે છે.
R.T.I. અંગેની સામાન્ય જાણકારી:- આર.ટી.આઇ. કરીને ભારત દેશની કોઈપણ સરકારી કચેરી પાસે અથવા ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી કચેરી પાસે માહિતી માંગી શકાય છે.
- આર. ટી. આઇ. કરવા માટેની ફી ગુજરાત સરકારની 20 રૂપિયા છે જ્યારે કેન્દ્ર સરકારની ફી 10 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે.
- આર.ટી. આઇ. કરવામાં માટે કોઈ નિયત ફોર્મ આવતું નથી. કોઈપણ કોરા કે આંકેલા પેજમાં આર.ટી. આઇ. કરી શકાય છે. આર.ટી. આઇ. કોમ્પ્યુટરમાં ટાઇપ કરેલી કે હાથે લખેલી કે બીજા પાસે લખાવેલી હોય તો પણ સરકાર માન્ય છે.
- ભારત દેશના કોઈપણ જ્ઞાતિ, લિંગ, ઉંમરના ભેદભાવ વગર દરેક નાગરિક આર.ટી. આઇ. કરી શકે છે. અરજદારે કારણ આપવાની કે ખુલાસો આપવાની કોઈ જરૂર નથી. માહિતીનો શું ઉપયોગ કરવાનો છે તેની જાણ પણ કરવાની જરૂર નથી.
- આર.ટી.આઇ. કરીને તમે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વીજળી વિભાગ, બેંક, રેલ્વે, પોલીસ, મામલતદાર જેવા અનેક સરકારી વિભાગમાંથી માહિતી માંગી શકો છો.
- આર.ટી.આઇ. કરીને અરજદાર દ્વારા સરકારી રેકોર્ડ, દસ્તાવેજો, મેમો, પરિપત્રો, હુકમ, નમૂના, વગેરે માહિતી માંગી શકાય છે.
માહીતી મેળવવા અરજી કેવી રીતે લખી શકાય?
R.T.I. કરવા માટે એક કાગળ ઉપર તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ અને તમારે કઈ સરકારી કચેરી પાસેથી શું માહિતી જોઈએ? તે તમામ વિગત લખવાની રહેશે.
- આર.ટી. આઇ. કરવા માટે 20 રૂપિયા સરકારી ફી છે. તે ભરવા માટે રોકડા અથવા 20 રૂપિયાની કોર્ટ ટિકિટ લગાડી શકાય છે.
- ટિકિટમાં 1 વાળી, 5 વાળી કે 10 વાળી કોઈપણ ટિકિટ લગાડી ને સરવાળો 20 થવો જોઈએ. આર.ટી.આઇ. અરજી લખી લીધા પછી તેના ઉપર ટિકિટ લગાડી એક ઝેરોક્ષ કરાવવી જરૂરી છે. અરજી આપવા માટે સરકારી કચેરીમાં રૂબરૂ જઈને આપી શકાય છે. કચેરીમાં ઓરીજનલ અરજી આપીને ઝેરોક્ષ પર કચેરીમાં સહી સિક્કા કરવી પાછી લઈ લેવાની.
- અરજી કર્યા પછી અધિકારી દ્વારા વધુમાં વધુ 30 દિવસમાં તમને જવાબ આપવો ફરજિયાત છે.
આર.ટી.આઇ. કરવામાં કોઈનાથી ડરવાની કે શરમાવાની જરૂર નથી તેમજ પહેલીવાર અરજી કરીએ ત્યારે તમને અરજી કરતા અટકાવવા માટે બિનજરૂરી ડર બતાવવામાં આવે, અથવા ખોટી રીતે ધક્કા ખવડાવવામાં આવે, માહિતી ન આપીને નિરાશ કરવામાં આવે તેવા તમામ પ્રયત્નો કરશે પંરતુ નિયમીત રીતે આની પાછળ લાગી જશો તો પરિણામ ચોક્કસ આવશે.
અવનવી કાયદાકીય માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ "khissu" ને લાઈક કરો તેમજ અમારી khissu એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી માહિતી તમને મળતી રહે.